સ્વદોષ-દર્શન
પૂ. શ્રી બ્રહ્મચારીજી — દોહરા (રત્નાકર પચ્ચીસી અનુસાર)
મંગલાચરણ
૧
આપ્ત પુરુષ ગુરુરાજ મુજ, દીનાનાથ દયાળ;
દિલ ખોલી કહું દોષ મુજ, શરણાગત પ્રતિપાળ.
૨
સ્વપ્ન રૂપ સંસારમાં, રચી-પચી મન મૂંઝાય;
જાગૃત કરી નિર્મળ કરો; દ્રષ્ટી મુજ ગુરૂરાય.
૩
મોક્ષ લક્ષ્મી લટકાં કરે, ક્ષાયક વીર્ય પ્રતાપ;
ઇંદ્ર નરેન્દ્ર પડે પગે; અતિશય-શાળી આપ.
૪
ચિરંકાળ જયવંત હો ! સર્વજ્ઞ ગુરુ દેવ;
બંધાયેલો અજ્ઞ હું, અંધ બંધની ટેવ.
૫
ત્રણ જગનો આધાર તું, કૃપાતણો અવતાર;
ભારે ભવ-વ્યાધી થકી; વૈધ નિરાગી તાર.
૬
જાણો છો સહુ હે ! પ્રભુ, તો પણ વીતક વાત;
કંઇક કહું હું આપને; ભોળા ભાવે તાત.
૭
બાળ બાળ લીલા સહિત, દોષ કહે જે હોય;
ભોળા ભાવે તાતની, આગળ ભય સહુ ખોય.
૮
તેમ કહું છું સત્ય હું, મુજ અંતરના ભાવ;
પશ્ચાતાપ વડે ગ્રહી, રાજપ્રભુ તુજ પાવ.
૯
ના દીધું મેં દાન કે, શીલ ન સેવ્યું શુદ્ધ;
તપ તપીયો નહીં આ ભવે, થયો ન ભાવ પ્રબુદ્ધ.
૧૦
ઉત્તમ નર ભવ પામીને, કર્યું ન કરવા જોગ;
ભ્રાન્તિમાં ભમતા વૃથા, લૂંટાયો મુજ યોગ.
૧૧
ક્રોધ-લાય લાગી ઉઠી, ડસ્યો લોભરૂપ નાગ;
અભિમાન-અજગર ગળે, નહિ નાઠાનો લગ.
૧૨
મૂંઝવે માયા-જાળ આ, ઘેરી રહી ચોફેર;
ભય ભંજન ભગવાન તું, ભજું તને કયી પેર.
૧૩
પરભવનું હિત ના કર્યું, આ ભવમાં ઘરી ખંત;
આ ભવમાં સુખ ના દીઠું, શું કહું? હે ભગવંત.
૧૪
ભવ ભવ ભમવા ભવ ધર્યો, મુજ સમ જગમાં કોણ ?
અધમોદ્ધારણ ‘નાથ બિન, બિગરી સુધારે કૌન ?’
૧૫
મનહર વર્તનવંત તું, મુખ-શશી અમી સમ વેણ;
અપૂર્વ યોગે સાંભળી, હર્ષ ઝરે નહિ નેણ.
૧૬
કઠોર મુજ મન હું ગણું, જડ જેવું યે નાંહિ;
ચંદ્રકાંત પત્થર છતાં, દ્રવે ચાંદની માંહી.
૧૭
ભવ ભમતા હું પામિયો, આપ કૃપાથી સાર-
રત્નત્રય દુર્લભ મહા ભાવ દયા-દાતાર.
૧૮
પમાદરૂપ નિદ્રા વશે, ખોયા એ ત્રણ રત્ન;
કોને કહું તે હે ! પ્રભુ, કેવો કરું પ્રયત્ન?
૧૯
વૈરાગ્યરંગે જન ઠગ્યા, દઈ જન-રંજન બોધ;
વાદ કર્યા વિધા ભણી, કરણી હસવા જોગ.
૨૦
પરનિંદા-વિષ્ટા વડે ખરડાયું મુખ પૂર્ણ;
પરનારી નીરખી નયન, અંજાયાં વિષ-ચૂર્ણ.
૨૧
પરનું બુરું ચિંતવ્યે, મન મુજ થયું મલીન;
શીય વલે મારી થશે? દીન-બંધુ હું દીન.
૨૨
કામ-પીડા વશ થઇ, અરે ! વિષય વિષે બની અંધ;
આત્માનો વૈરી થયો, બાંધી કર્મના બંધ.
૨૩
આ કહું આપ સમક્ષ હું, આણી મનમાં લાજ;
વગર કહ્યે જાણો છતાં, સર્વજ્ઞ ગુરુ રાજ.
૨૪
મંત્ર તંત્ર મિથ્યા ભણ્યો, આત્મ-હિત હણનાર;
તજી ‘પરમ ગુરુ’ મંત્ર જે ઉતારે ભવપાર.
૨૫
કુશાસ્ત્ર વચનો વડે, ઉત્થાયાં ઉથાપ્યાં સત્શાસ્ત્ર;
આરાધ્યા કુદેવને, મિથ્યા વર્તન માત્ર !
૨૬
પ્રભુ દર્શન પામ્યો છતાં ભ્રાન્ત-મતિ મોહાંધ;
ચિંતવતો ચંચળ નયન, નારી અંગોપાંગ.
૨૭
મૃગ-નયના નિહાળતાં, લાગ્યો લવ ઉર રાગ;
શાસ્ત્ર-સમુદ્રે મગન મન, તોય તજે નહિ ડાઘ.
૨૮
મળે ન મુજમાં રૂપ, ગુણ, કળા, પ્રભા, પ્રભુતાય;
તો પણ માન મૂકાય ના, અહંકાર ઉભરાય.
૨૯
ક્ષણ ક્ષણ જીવન જાય પણ, પાપ બુદ્ધિ નહિ જાય;
વય ગઈ, તોય ન વિષયની, અભિલાષા દૂર થાય.
૩૦
દોડ દવા કરવા કરું ઢીલ ધર્મમાં થાય;
મહા મોહ મૂંઝવે મને, સ્વામી ! કરો સહાય.
૩૧
કેવળજ્ઞાન-રવિ સમા, પ્રગટ દેવ ગુરુ આપ;
છતાં હું સુણતો ફર્યો, “નહીં પુણ્ય કે પાપ.
૩૨
નહિ આત્મા, નહિ ભવ વળી,” વિષયી જનનાં વેણ;
વિષ સમ વિષય વધારતાં, પીધા મેં જીવ-લેણ.
૩૩
દેવ, પૂજ્ય પૂજ્યા નહીં, ધર્યો ન સાધુ-ધર્મ;
શ્રાવક-વ્રત સેવ્યાં નહીં, ગહન ધર્મનો મર્મ.
૩૪
મનુષ્ય ભવ મોંઘો મળ્યો, ચિંતામણિ સમાન;
અરણ્ય-રુદન સમ ગયો, વહી વ્યર્થ, ભગવાન.
૩૫
કામધેનુ, ચિંતામણિ કલ્પવૃક્ષના ભોગ;
રટી આર્ત ધ્યાને વહ્યો, કર્યું ન કરવા જોગ.
૩૬
પ્રગટ સુખદ જિન ધર્મથી, રંગાયા નહિ ભાવ;
એ મુજ મૂઢ દશા પ્રભુ ! કહી સંક્ષેપે સાવ.
૩૭
‘ભોગ રોગનું બીજ,’ ના જાણ્યું કરતા મોજ;
ધનનું ધ્યાન ધરું સદા; મરણ ન સમરું રોજ.
૩૮
સ્ત્રી-ચિંતન-ફળ નરક છે, ચિત્ત ન ચેતે તોય;
કૃત્ય અધમ કરતા નહીં, પાછું વાળી જોય.
૩૯
સંતોષ્ણું નહિ સંત ઉર, સેવી સાધુ ચરિત્ર;
પરોપકાર કરી નહીં પામ્યો, સુયશ પવિત્ર.
૪૦
તીર્થોદ્ધારક કાર્યમાં, કર્યો નહિ પુરુષાર્થ;
વ્યર્થ ગુમાવ્યો ભવ બધો, વિસારી આત્માર્થ.
૪૧
સદગુરુનાં વચનો સુણી, જાગ્યો નહિ વૈરાગ્ય;
શાંતિ સેવી ના શક્યો, સુણી દુર્જનનાં વાક્ય.
૪૨
આત્મજ્ઞાનનો લેશ નહિ, મુજમાં હે ! ગુરુ રાજ !
ભવજળ કેમ તરાય તો ? તું મુજ ધર્મ જહાજ.
૪૩
પુણ્ય કર્યું નહિ પર ભવે, આગળ પણ નહિ થાય;
આ ભવ, ગત ભવ, ભાવિ ભવ, ત્રણે નકામા જાય !
૪૪
શું દેવાધિદેવને, વ્યર્થ કરું મુજ વાત !
ક્યાં ત્રિભુવન-દર્શક પ્રભુ, શી મુજ વાત વિશાત !
૪૫
તુજ સમ તારક કો નથી, દીન જનના આધાર;
દયામણો મુજ સમ નહીં, જગમાં જગદાધાર.
૪૬
તો પણ કંઈ પણ યાચના, ના ઘનની ઘરું ઉર;
કિંતુ યાચું આટલું, કેવળ કેવલ-સૂર !
૪૭
રત્નાકર, મંગલનિધિ, બોધિ-રત્ન દે દેાન;
ભવ-ભય-ક્ષય જેથી થતાં, પામું મોક્ષ નિદાન.
ઉપસંહાર
૪૮
મૂંગા વાચા પામતા, પંગુ ગિરી ચઢી જાય !
ગુરુકૃપા-બળ ઓર છે, અંધ દેખતા થાય !
૪૯
જંગલમાં મંગલ બને, પાપી બને પવિત્ર !
એ અચરજ નજરે તરે, મરણ બને છે મિત્ર !
૫૦
અખંડ વિશ્વાસે વસું, સાચા શ્રી ગુરુરાજ;
રડવડતો કયમ રાખશે ? બનું નહિ નારાજ.
૫૧
મુજ અવગુણ, ગુરુરાજ ગુણ, માનું અનંત અમાપ;
બાળક કર પ્હોળા કરી, દે દરિયાનું માપ.
૫૨
સમર્થ શ્રીમદ્ રાજચંદ્ર, હું શ્રદ્ધાળુ બાળ;
અચૂક આશ્રય આપીને, પળ પળ લ્યો સંભાળ.