અર્પણ
પૂ. શ્રી મગનબાપા - ૧૧મું દેહવિલય વર્ષ-નિમિત્ત
પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર ભગવાનના ખડ્ગાસનવાળા ચિત્રપટના, વડવા આશ્રમના મોટા દરવાજે, ૧૩ વર્ષની ઉંમરે દર્શન થતાં જ પૂર્વભવના સંસ્કારોને લઈ નજરાઈ જનાર અને ૮મેં વર્ષે સુણાવ ગામની ભાગોળે અને ૧૪મેં વર્ષે અગાસ ક્ષેત્રે શ્રી લલ્લુજી મહારાજ - પૂ. પ્રભુશ્રીજીના દર્શન કરનાર બા.બ્ર.પૂ.શ્રી મગનબાપાએ ૧૯મેં વર્ષે અગાસ ક્ષેત્રે પૂ. પ્રભુશ્રીજી અને પૂ.શ્રી બ્રહ્મચારીજી પાસેથી સ્મરણ મંત્ર સાથે આજ્ઞાભક્તિ અને સાત વ્યસન ત્યાગ, રાત્રિભોજન ત્યાગ અને સાથે આજીવન બ્રહ્મચર્યની આજ્ઞા લીધી અને ૧૦૦ વર્ષ અને ૭ દિવસના આયુષ્યની છેલ્લી પળ સુધી તે આજ્ઞા સાંગોપાંગ પાળી.
૫.કૃ.દેવ શ્રીમદ્ રાજચંદ્ર ભગવાને પ્રરૂપેલ વીતરાગના મૂળમાર્ગને આત્મસાત્ કરી-અનુભવી-તેની ભક્તિનો લ્હાવો પોતે લૂંટી, અન્ય સેંકડો મુમુક્ષુઓને લૂંટાવનાર પૂ.શ્રી મગનબાપાની આઠ આઠ દાયકાની અજોડ આશ્રયભક્તિ અને પ.કૃ.દેવ પ્રત્યેની અવિચળ શ્રદ્ધાને આ પુસ્તિકા ‘આંખે દેખ્યા અહેવાલ રૂપે’ ભક્તિ રૂપે અર્પણ કરવામાં આવે છે.
‘રાજ રાજ સૌ કો કહે, વિરલા જાણે ભેદ;
જે જન જાણે ભેદ તે, તે કરશે ભવ છેદ.’
‘શ્રીમદ્ રાજચંદ્રને આ કાળે પરમાત્મા તરીકે ઓળખી - ઓળખાવનાર’
પૂ. શ્રી મગનબાપાની જીવનયાત્રા
જૈન અધ્યાત્મ જગત શ્રીમદ્દ રાજચંદ્રના નામથી અજાણ નથી. તેઓના સ્તુતિ પાઠકો તેમને પરમક્રપાળુદેવ તરીકે ઓળખે છે-સંબોધે છે. પ.કૃ.દેવનો બાલ્યાવસ્થાનો કાળ કાઠિયાવાડમાં મોરબી નજીકના વવાણિયા નામના નાના ગામમાં ગયો. વ્યવસાય ક્ષેત્ર મુંબઈ રહ્યું, પણ અધ્યાત્મ ક્ષેત્રે વધુમાં વધુ લાભ ચરોતર પ્રદેશના લોકોને થયો. પ.કૃ.દેવના આજે લગભગ ૪ થી ૪ ૧/૨ લાખ સ્તુતિ પાઠકોમાંથી ૭૫ હજારથી લાખ જેટલાં જૈનો અને ૩ લાખ જેટલા પાટીદારો અને અન્ય જૈનેતરો છે.
તેમાંના આ એક પાટીદાર કુટુંબના શ્રી મગનભાઈ શંકરભાઈ પટેલ કે જેઓએ આ ભવે શતાયુ જીવનના છેલ્લા ૮ દાયકા ઉપરાંત શ્રીમદ્ રાજચંદ્ર (પ.કૃ.દેવ) ની ભક્તિ કરી અને કરાવી. તેવા પ્રથમ હરોળના ભક્તની ભક્તિ વિષે કંઈક આલેખન કરવાનો અહીં પ્રયાસ કરેલ છે.
આણંદ જીલ્લાના નાનકડા, સુણાવ નામનાં ગામમાં, એક સાધારણ પણ સદાચારી પાટીદાર અને કૂળ ધર્મે વૈષ્ણવ કુટુંબમાં તેઓનો જન્મ થયેલ. બાળપણમાં પિતા અને કાકા સાથે રામ અને કૃષ્ણની કથા વાર્તા સાંભળવા જવાનું અવારનવાર બનતું. પોતે ભક્તિના લહેકાથી ઘણી વાર કહેતા કે, ’ એ વાતો સાંભળી મને પણ એમ થાય કે તે વખતે હું હોત તો કનૈયા સાથે ગેડી દડો રમતો હોત ! આગળ જતાં શ્રીમદ્દ રાજચંદ્ર, જે શ્રી મહાત્મા ગાંધીજીના સમકાલીન-હમણાંજ થઇ ગયા તેની વાતો કરતાં તેઓ પરમાર્થ ખેદ વ્યક્ત કરતાં કે, ’ આ તો આપણને ભગવાન હાથ તાળી દઈને ચાલી ગયા ?!’
પ.કૃ.દેવે લખેલ છે -
‘જેની પાસેથી ધર્મ માંગવો, તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી એ વાક્યને સ્થિર
ચિત્તથી વિચારવું.’
(વ.મૃ.- ૪૬૬, કો.-૧)
હવે આપણે ચોકસી કરવી કઈ રીતે ? એ એક કોયડો છે. વળી પૂ. શ્રી બ્રહ્મચારીજી
પ્રજ્ઞાવબોધમાં લખે છે…
‘ગુરુ ગુણ અમાપ અનંત,
નહિ સર્વજ્ઞ સર્વ કહી શકે,
આ રંકનું ગજું કેટલું ?
અપમાન, કોઈ કહે રખે ?’
પણ….
‘બહુમાન હૃદયે જો રહ્યું ,અપમાન સમજું ના ગણે, ટુંકારી બોલે બાળ તોતડી, વાણી પણ
મીઠી માતને.’
અને એટલે જ તો ભક્તિના બળે પ.કૃ.દેવને પૂ.શ્રી સોભાગભાઈ, પૂ.શ્રી જૂઠાભાઇ, પૂ.શ્રી અંબાલાલભાઈ, પૂ.શ્રી પ્રભુશ્રીજી અને પૂ.બ્રહ્મચારીજી ઓળખી ગયા.
આ તો ભૂતકાળની વાતો! પણ આ કાળે મગનકાકાએ પ.કૃ.દેવને કેવી રીતે ઓળખ્યા? તે
જોઈએ…
તેર વર્ષની ઉંમરે શાળાના પગપાળા પ્રવાસ દરમ્યાન સુણાવથી ખંભાત - વડવા આવવું થયું.
ખંભાતમાં રાજાનો મહેલ, મંદિરો વગેરે જોઇને વડવા આશ્રમ આવ્યા. આ ભવની અપેક્ષાએ તો જેના
નામથી પણ અજાણ એવા મગનકાકાએ પ.કૃ.દેવના ખડ્ગાસનવાળા ચિત્રપટના દર્શન કર્યાં
અને…
‘એક જ સાચું વંદન, શ્રી જિનવર પતિ વર્ધમાન પ્રતિ
નરનારીને તારે ભયંકર ભવસાગરથી… !!’
‘મુમુક્ષુના નેત્રો સત્પુરુષને ઓળખી લે છે.’
આ વચનની યથાર્થતા પૂરવાર કરતા હોય તે પ્રમાણે પ્રથમ દ્રષ્ટિએ, જયારે શ્રીમદ્દ રાજચંદ્ર નામના કોઈ વીતરાગ પુરુષ તો નહિ પણ એક શતાવધાની, શીઘ્ર કવિ કે અરે ! એક શ્રાવક છે તેની પણ જાણકારી વગર, તે મુદ્રાના દર્શન માત્રથી જ ઓળખી ગયા, તે પણ આ ભવની અપેક્ષાએ જૈન-જૈની સંબંધીની સમજણ વગર…!!!
એતો ‘ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તે ઊપજવા પૂર્વિત ભાગ્ય’ આ બધું પૂર્વ
જન્મોની ઉચ્ચ કોટિની આરાધના, સંસ્કાર અને સત્સંગની સંધી સૂચવે છે. તેઓ તે ચિત્રપટમાં
નીતરતી વિતરાગતાથી પકડાયા-ગ્રહાયા, તે એવા કે તે સમયના બાળ માનસ પર એક અલૌકિક
છાપ પડી અને એવા તો નજરાઈ ગયા કે છ-છ મહિના સુધી પોતાને સ્વપ્નમાં પણ પ.કૃ.દેવના
દર્શન થયા કરે, અને પરિણામે -
‘એનું સ્વપ્ને જો દર્શન પામે રે,
તેનું મન ન ચડે બીજે ભામે રે’
અને મન બીજે ભામે ચડતું બંધ થયું. કુળધર્મે વૈષ્ણવ પરિવારમાં ઉછરેલ એવા તેઓએ એક-બે નહીં,
૩૩ કરોડ દેવ-દેવીઓ, કુળદેવતા, ભૂત-પ્રેત, ડેન-ડાકણ, કુળગુરુ, ભૂવા, મંત્ર-તંત્ર વગેરે બધી
માન્યતાઓ જડમૂળથી કાઢી નાખી એકદમ જ જાણે પતિવ્રતા ભક્તિથી…
‘બીજો મનમંદિર આણું નહિ …’
તેમ રોમે રોમ પ.કૃ.દેવ જ !
‘મેં, તુંજ કારણ સ્વામી, ઉવેખ્યા સૂર ઘણાં’
આ બધું ધીરે ધીરે નહીં… એકી સાથે જ, અનાદિ મિથ્યા માન્યતાનો એક સામટો ગોટો વાળી
નાખ્યો, અરે! સ્વપ્નમાં દેવો ડરાવે કે ધમકાવે, તો મગનકાકા સામો પડકાર કરે કે -
‘આ મગન હવે - રાજ મગન - તમારો નથી,
તમારો થાય તેમ નથી.’
શાળાનો ૭ વર્ષનો અભ્યાસ પૂરો થયો અને શાળાંત પરીક્ષા પાસ કરી વણાટ અને ઉર્દૂભાષા પણ શીખ્યા, તે એટલે સુધી કે ઉર્દૂની છઠ્ઠી પરીક્ષા કાબીલ પણ પાસ કરી, ઓગણીશમેં વર્ષે શિક્ષકની નોકરી રૂ.૧૦/-ના પગારથી શરુ કરી. અમદાવાદની ટ્રેઈનીંગ કોલેજમાં જઈ શિક્ષકની પરીક્ષા પાસ કરી જે આગળ જતાં હેડમાસ્તર બનવામાં કામ આવી. (પગાર -રૂ. ૧૫/-)
પ.કૃ.દેવની દાસી તરીકે ભક્તિ કરનાર શ્રી લલ્લુજી સ્વામી કે જે આ માર્ગમાં ‘પ્રભુશ્રીજી’ તરીકે ઓળખાય છે, તેમના પ્રથમ દર્શન આઠ વર્ષની ઉંમરે થયેલ. પોતાથી વરિષ્ઠ શિક્ષક શ્રી મનહરભાઈ માસ્તર કે જેઓ જન્મે જૈન હતા તેઓના પરિચયે જૈન ધર્મ વિષે અને શ્રીમદ્ રાજચંદ્ર વિષે થોડે થોડે જાણવા લાગ્યા.
ફરી અગાસ ક્ષેત્રે ૧૪ મેં વર્ષે પ્રભુશ્રીજીના દર્શન થયા. અને
ઓગણીસ વર્ષની ઉંમરે અગાસ આશ્રમમાં પૂ. પ્રભુશ્રીજી અને પૂ. શ્રી
બ્રહ્મચારીજી પાસે સ્મરણ મંત્રની આજ્ઞા લેવા ગયા. પૂ. પ્રભુશ્રીની આજ્ઞા પ્રમાણે પૂ.
બ્રહ્મચારીજીએ પ.કૃ.દેવના ચિત્રપટ સમક્ષ મગનકાકાને ૩ નમસ્કાર કરાવી, સહજાત્મસ્વરુપ
પરમગુરુ મંત્ર, ત્રણ પાઠો (૨૦ દોહરા, યમ નિયમ અને ક્ષમાપના પાઠ) - સાથે રાત્રિભોજન
ત્યાગ, સાત અભક્ષ્ય ત્યાગ અને સાત વ્યસન (જુવા, આમિષ, મદિરા, દારી, આહેટક, ચોરી,
પરનારી) ના ત્યાગની આજ્ઞા કરી. સાથોસાથ શ્રી મગનકાકાએ આજીવન બ્રહ્મચર્યની આજ્ઞા
માંગી જે બ્રહ્મચારીજીએ શરૂમાં નકારી અને માતાપિતાને પૂછી, તૈયાર થઇ આવવા જણાવ્યું. પણ
પોતે તૈયાર જ છે એમ કહેતાં, પ્રભુશ્રીજી પાસે જઈ વાતનો ખૂલાસો થતાં, જીવની પાત્રતા
ઓળખતાં એવા આત્મજ્ઞાની સંતે બ્રહ્મચર્યની આજ્ઞા પણ આ સાથે જ આપવા કહ્યું. આ પ્રમાણે
‘આજ્ઞાભક્તિ’ સાથે ‘આજીવન બ્રહ્મચર્ય’ વ્રતની આજ્ઞા તેઓના શબ્દમાં જ ખેંચીને લઇ
લીધી! પ.કૃ.દેવે બોધ્યું છે તે પ્રમાણે…
‘લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું તે તો કહો ?
શું કુટુંબ કે પરિવારથી વધવાપણું, એ નય ગ્રહો’
તે મુજબ મગનકાકાને થયું કે શિક્ષકની નોકરીનો પગાર શરૂ થયો અને જાતે ખીચડી કરતાં
આવડી ગઈ તો હવે સંસાર માંડવો શા માટે? બહુ પુણ્ય કેરાં પૂંજથી મળેલ શુભ નર દેહને હારી શા
માટે જવો ? આ પ્રમાણે સંસાર માંડવાની અનાદિથી થતી ભૂલને સુધારી લીધી.
‘મુમુક્ષુને માંડ માંડ આજીવિકા જેટલું મળે તોય ઘણું છે’
તે પ્રમાણે શિક્ષક તરીકે, પગાર વધારાની વાતમાં તેમણે ક્યારેય રસ લીધો નહોતો !
પ.કૃ.દેવનું વચન છે કે - જે વિદ્યાથી ઉપશમ ગુણ પ્રગટ્યો નહીં, વિવેક આવ્યો નહીં, કે
સમાધિ થઇ નહિ તે વિદ્યાને વિષે રૂડા જીવે આગ્રહ કરવો યોગ્ય નથી.
‘જે વિદ્યાથી ઉપશમ ગુણ પ્રગટ્યો નહીં, વિવેક આવ્યો નહીં, કે સમાધિ થઇ નહિ તે
વિદ્યાને વિષે રૂડા જીવે આગ્રહ કરવો યોગ્ય નથી.’
આ ચરિતાર્થ કરી મગનકાકાએ ઉર્દૂ ભાષાની કાબેલિયત (કાબીલ પરીક્ષા પાસ)ને વિસ્મૃત કરી
અને અંગ્રેજી શીખવાનો તો વિકલ્પ જ ન કર્યો.
ભક્તિના આ ક્રમમાં શની, રવિ અને અન્ય રજાના દિવસો દરમ્યાન અવારનવાર પૂ.શ્રી બ્રહ્મચારીજી પાસે જવાનું બને. તેઓની સામે બેસી, પલાઠી લગાડી, મૌન રાખી તેમની મુખમુદ્રાના દર્શન કર્યા કરે.
બ્રહ્મચારીજીએ સૌ પ્રથમ નિયમિતતા માટે બેન્જામીન ફ્રેન્ક્લીનનું જીવન ચરિત્ર (ગુજરાતી અનુવાદ) વાંચવા આપ્યું. ત્યારબાદ મહાત્મા શંકરાચાર્યની વૈરાગ્ય સભર મણિરત્નમાળા અને મોહમુદ્દગર વાંચવા આપ્યા. ત્યારબાદ ભૌતિકસુખ માટે દેવ-દેવીને ભજવાની માન્યતાના ખ્યાલને, તેમની જ ભાષામાં, રેચ આપનાર એવો પંડિત શ્રી ટોડરમલજી કૃત મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથ વંચાવ્યો. પછી પૂ. શ્રી સિદ્ધર્ષિ ગણી કૃત ‘ઉપમિતિ ભવપ્રપંચકથા’ ગ્રંથ વાંચવા આજ્ઞા થઇ. આ આરસા દરમ્યાન શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા વાંચી અને ત્યારબાદ બ્રહ્મચારીજીએ મુમુક્ષુઓએ પ.કૃ.દેવ પર લખેલ પત્રો તેમજ મુમુક્ષુઓએ એકબીજા પર લખેલ પત્રો વાંચવા આપ્યા. જ્યારે પૂ. લઘુરાજ સ્વામીના પ.કૃ.દેવ પરનાં પત્રો અવલોક્યા તે વિષે સત્સંગમાં ભૂતકાળ વાગોળતા તેઓ ગદ્ગદ્ થઇ જણાવતાં કે તેમની આંખોમાંથી આંસુ ટપકતા. મગનકાકા ઘણી વાર કહેતા કે, ’ પ્રભુશ્રીજી એટલે ભક્તિનો અવતાર, કળિયુગમાં ભક્તિને અવતાર લેવો હતો તે પ્રભુશ્રીજી રૂપે લીધો. જેવી હનુમાનની રામ ઉપર, ગોપીઓની કૃષ્ણ ઉપર તેવી જ ભક્તિ પ્રભુશ્રીજી એ પ.કૃ.દેવની કરી છે.’
સુણાવ અને અન્ય ગામોએ શાળાની નોકરી સાથે તેઓનો ભક્તિનો ક્રમ ચાલુ જ હતો. શાળાની ફરજ પૂરી કરી, સાંજે પાછા ફરી, સૂર્યાસ્ત પહેલા ભોજન લઇ નાના છોકરાઓને પાઠશાળામાં મોક્ષમાળા ભણાવતા. આ ક્રમ આઠ આઠ વર્ષ ચાલુ રહ્યો અને પૂ. શ્રી બ્રહ્મચારીજીના માર્ગદર્શન હેઠળ ફૂલ્યો ફાલ્યો ! તે એવો કે પંડિત લાલન વગેરે પણ પાઠશાળાના ક્રમ અને છોકરાઓના ઉત્સાહથી પ્રભાવિત થયેલ. આગળ જતા આમાનાં ઘણાં મુમુક્ષુઓ થયા અને અમુક હજુ પણ હયાત છે.
ભક્તિના આ અવિરત ક્રમથી જાણે જલ્દી રિટાયર થવાની ઉંમરે પહોંચી જતાં, સંપૂર્ણ નિવૃત્તિ મળી ગઈ અને તેઓએ પાંચ વર્ષ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ - ધામણ (સુરત જીલ્લો) ક્ષેત્રે રહી ભક્તિ સત્સંગ કર્યો અને કરાવ્યો.
ત્યારબાદ બીજા પાંચ વર્ષ વડવા ક્ષેત્રે ગાળ્યા બાદ મુંબઈના શ્રીમદ્ રાજચંદ્ર મંદિર -
ઘાટકોપર ખાતે રહ્યાં જ્યાં તેમને તો ઘરથી દૂર અને કોઈ સગું-વ્હાલું ન હોવાથી જાણે વનવાસ
માફક એકાંત માણવા મળ્યું. અહીં પાંચ વરસ ગાળ્યા બાદ, મુંબઈની ભેજવાળી આબોહવા પ્રકૃતિને
પ્રતિકૂળ જણાતા તેઓ દેવલાલી શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં પહોચ્યાં. અહીં તેઓને પાંચેક વરસ થયા
તે આરસામાં પૂ.શ્રી બ્રહ્મચારીજીની જન્મભૂમિ - બાંધણી મુકામે નવો આશ્રમ થયો તેથી ત્યાંના
ટ્રસ્ટીઓએ દેવલાલી પધારી પૂ.શ્રી મગનકાકાને ભક્તિ-સત્સંગ અર્થે ત્યાં પધારવા આગ્રહપૂર્વક
વિનંતી કરી જે તેમણે સહર્ષ સ્વીકારી. બાંધણી આશ્રમના પ્રારંભ - સં.૨૦૪૫ થી છેક સં.૨૦૬૫
એટલે કે ઈ.સ.-૨૦૦૯ સુધી, વીશેક વરસથી વધું અહીં તેમણે ભક્તિ-સત્સંગ કર્યો અને સેંકડો મુમુક્ષુઓને
કરાવ્યો.
‘સાધૂ તો ફિરતા ભલા’
એ મુજબ કે પછી ‘જો જો પુદ્ગલ ફરસના, નિશ્ચે ફરસે સોય’ કે પછી પૂ.પ્રભુશ્રીજી અને પૂ.બ્રહ્મચારીજીની માફક ઉદયને યોગે પુદ્દગલની અથડામણીએ પૂ. મગનબાપાને પણ સ્થળાંતર કરવું પડ્યું, એ જેમ હો તેમ, ‘કર્મ ઉદય જિનરાજનો ભવિજન સહાયક થાય’ તે પ્રમાણે આયુષ્યના છેલ્લા સાત વર્ષો દરમ્યાન શ્રી મગનકાકાની ભક્તિ-સત્સંગનો લાભ, મુલુંડ-મુંબઈ, આણંદ, દેવલાલી અને વડવા ક્ષેત્રે મળ્યો. દિવાળીમાં અને ખાસ તો છેલ્લા ૩-૩ વર્ષો દરમ્યાન પર્યુષણમાં, વડવા ક્ષેત્રે સેંકડો ભાવિકોએ પૂ. શ્રી મગનકાકાની ભક્તિ-સત્સંગનો લ્હાવો લઇ, પ.કૃ.દેવની શ્રદ્ધા દ્રઢ કરી પોતાની જાતને ધન્ય ધન્ય અનુભવી .
પૂ.શ્રી સોભાગભાઇને વ્યવહારિક સંકડાશના સમયે દીનતા, ભય, ભવિષ્યની ચિંતા, લોક્લજ્જા
આદિનો ભય એટલો સતાવતો કે તેઓ વારંવાર પ.કૃ.દેવને કંઈ રિદ્ધિ-સિદ્ધિ પ્રગટાવીને પણ ઉકેલ
લાવવાં વિનંતી કરતાં જે પ.કૃ.દેવ સ્પષ્ટ શબ્દોમાં નકારી કાઢતા. એક વાર ઠપકો આપતા
જણાવેલ કે…
‘રાખ્યું કંઈ રહેતું નથી અને મુક્યું કંઈ જતું નથી’
એવો પરમાર્થ વિચારી કોઈ પ્રત્યે દીનતા ભજવી કે વિશેષતા દાખવવી એ યોગ્ય નથી.
સમાગમમાં દીનપણે આવવું નહીં.
“મે’લ તારી આબરૂને પૂળો”
અમોએ આ વાક્ય શ્રી મગનકાકાના મુખેથી સેંકડો વાર સાંભળ્યું છે. માનને, લોકલાજને, આબરૂને
કે જે પરમાર્થ આડે આવતા હોય તેને તદ્દન તુચ્છ ગણી બાળી મૂક્યા હતા. વળી ‘દીનતા
ન કરવી’ તે પૂ. શ્રી બ્રહ્મચારીજીની શિક્ષા તેઓએ સાંગોપાંગ આત્મસાત્ કરી હતી
અને કોઈ માન, પૂજા, સત્કાર આદિના ભયને ભગાવ્યો હતો. પછી ભલેને…
સભા મંડપમાં છેલ્લી હરોળમાં બેઠાં હોય કે કોઈ અન્ય વ્યાખ્યાનકાર છેલ્લી ઘડીએ ન આવે એટલે તેને
બદલે તેઓને વાંચવા બેસાડે તો પણ કંઈ મોભો જાળવવાની ફિકર નહીં, દંભ નહીં, અને હર્ષભેર તે
સ્વીકારી, માત્ર પ.કૃ.દેવના ગુણ-ગ્રામ ગાવાની તક ઉત્સુક્તાભેર ઝડપી લઇ કૃતાર્થ સમજવું એ
જાણે જીવનમંત્ર!
વળી ‘અમુક સમયે, ફલાણી જગ્યાએ પહોંચી જજો’ એટલા સંદેશા માત્રને મોંઘુ નિમંત્રણ સમજીને, વ્યાખ્યાનનો સમય, વિષય, શ્રોતાની પાત્રતા અને રૂચીને સમ્યક્ ન્યાય આપી, ભોજન માટે ગર્દીમાં, બધા સાથે જ, સામાન્ય માણસની માફક હરોળમાં ઉભા રહી જવું અને ખાસ આમંત્રિત કે વાંચનકાર-સ્વધ્યાયકારનો કંઈ મોભો કે હક્ક ભોગવવાનો સ્વપ્નેય ખ્યાલ નહીં અને છેલ્લે જો મારા ભગવાનના ગુણ ગવાતા હોય તો ભલે ‘તમે વાંચો અને હું સાંભળીશ’ એમ કહી દાસાનુદાસપણે લઘુત્વ ગુણ પ્રગટાવી - પ્રકાશી ખરેખર જ ‘આબરૂને પૂળો’ મૂકી દીધો હતો.
ભક્તિની ધગશ અને જૂસ્સો …!!!
હેમરેજ થઇ ફાટે એવા માથાના દુઃખાવા સાથે, તે તરફ ધ્યાન ન ખેંચાય માટે ઊંચા અવાજે ભક્તિ કરવી, દેવવંદનના ૩ નમસ્કાર માંડ માંડ થઇ શકે તેવી ગોઠણના દુઃખાવાની વેદના, છતાં હાંફતા-હાંફતા ૧૨-૧૫ પગથિયા ચડી, નિત્યક્રમ ચાલુ રાખી તે પૂર્ણ કરવો અને આવી તકલીફને બીજે દિવસે, ઈડરના ઘંટિયા પહાડની તીર્થયાત્રા, માનસિક સ્વસ્થતા સાથે પગે ચાલીને ડુંગર ચડીને કરવી તે આત્મબળ વિના અસંભવિત છે.
લાંબા સમયની ખાંસી, તેને લઈને અપૂરતી ઊંઘ, ઓછો ખોરાક, વધતી જતી નબળાઈ સાથે ૯૧ વર્ષની ઉંમરે, આસો વદ એકમના ૧૫૦ નમસ્કાર ભક્તિ અને ઉલ્લાસ સાથે કરેલા અમે જોયા છે. ચારસો - પાંચસો કી.મી.ના પ્રવાસને લઇ પગની નસો ખેંચાય કે ગોઠલા ચડે, આવી ફરિયાદને મચક નહીં આપવી અને ‘એ તો જવા માટે આવે છે - જતાં રહેશે એની મેળે !’ આવો સાક્ષીભાવ અમે ઘણીયે વાર નીતરતો જોયો છે.
ગોઠણની ઢાંકણી ભાંગી જતા, ઢસડાતા પગે ખેતરથી - સુણાવ ઘેર, ત્યાંથી પેટલાદ, આણંદ-વલસાડ પહોંચી ત્યાંથી નાસિક અને ત્યાં કોમી રમખાણ ફાટી નીકળતાં અધવચ્ચે વાહન-વ્યવહાર બંધ થતા બસમાંથી ઊતરી ઢસડાતા-ઢસડાતા પગે પણ સ્થિર ચિત્તે દેવલાલી આશ્રમ પહોચવું અને ત્યારબાદ છ-છ મહિના સુધી તે તૂટેલ ઢાંકણીની પીડા ભોગવવી તે ભક્તિના બળ સિવાય સહન કેમ થઇ શકે ?
પાંત્રીસ વર્ષની ઉંમરે અકસ્માત જ બંદૂકની ગોળી છાતીમાં વાગી, ફેફસું ફોડી, છાતીની
આરપાર થઇ, વાંસેથી નીકળી પાછળ આવેલ પટારો જેના લાકડાને ચીરી નાખેલ જેની ‘નિશાની’
છાતીમાં આગળ, વાંસામાં પાછળ અને પટારાનાં દરવાજામાં અમોએ નજરે જોઈ છે. લગભગ ૧૭
દિવસ, વીજળી વગરની ગામડાંની દેશી ઈસ્પિતાલમાં ઈલાજ દરમ્યાન પણ તેઓની ભક્તિ અવિરત
ચાલતી અને ત્યાં અન્ય દર્દીઓ અને તેમના મુલાકાતીઓનું ટોળું જામતું. આવે વખતે પણ તેઓ ભાવના
ભાવતા કે…
“હે પ.કૃ.દેવ ! તમોએ કહયું છે કે ‘…જાશું સ્વરૂપ સ્વદેશ રે’ તે પ્રમાણે તમે થોભજો હું
પણ આવું છું; આપણે મોક્ષનો સંગાથ કરીશું !”
એક બાજુ છાતીમાંથી લોહીનો ફૂવારો અને બીજી બાજુ મરણ પથારીએથી આવા ભક્તિના ભાવ
!!!
‘નહિ તૃષ્ણા જીવ્યાં તણી, મરણયોગ નહીં ક્ષોભ;
મહાપાત્ર તે માર્ગનાં, પરમ યોગ જીતલોભ.’
આ દશા પામવાનો પુરુષાર્થ કેવો આશ્ચર્યકારક કે આ ભવની અપેક્ષાએ તો પ.કૃ.દેવના પ્રત્યક્ષ
સમાગમ વગર આવી શ્રદ્ધા જન્મી? એ તો ‘ચરમ નયણે જોવાની વાત’ અને
અહીં તો ‘…નયણ તે દિવ્ય વિચાર’ તે પ્રમાણે કંઇક સમજાય તેવું છે. પૂ.
શ્રી મગનકાકાએ પ.કૃ.દેવના તે ઊભાં ચિત્રપટના ભાવને પ્રત્યક્ષ કર્યા હતા! આવી આવી
‘ઘોર તપશ્ચર્યા પણ મનને તાપ નહિ…’ અરે! મનને તાપ તો નહીં પણ
ભક્તિ અને સત્સંગનો ઉલ્લાસ ભાવ! આવી ભક્તિ જન્મે ક્યાંથી ? પ.કૃ.દેવ અને તેઓએ પ્રરૂપેલ
આત્માના છ પદની શ્રધ્ધાથી. - અને શરીરનું શું ?
‘શરીર સોંપ પ્રારબ્ધ કું, જ્યૂં લોહા કૂટે લુહાર…
તું કર બ્રહ્મ વિચાર !’
અને જોઈએ છે શું ? મોક્ષ પણ નહિ અને કેવળજ્ઞાન પણ નહીં! જોઈએ માત્ર પ.કૃ.દેવની ભક્તિ અને શરણું! (વ્રજ વ્હાલું રે, વૈકુંઠ નથી જાવું, ત્યાં કાન કુંવર ક્યાંથી લાવું ?)
પ.કૃ.દેવે પૂ.શ્રી જૂઠાભાઇ વિષે કહેલ ‘એનું લૌકિક નામ જ દેહધારી દાખલ સત્ય હતું- એ
આત્મદશારૂપે ખરો વૈરાગ્ય હતો - ’સત્ય પરાયણ!’ શ્રી મગનકાકાનું લૌકિક નામ પણ દેહધારી
દાખલ સત્ય જ. જિન રાજ ભક્તિમાં મગન - ‘જિન થઇ જે જિનવરને
આરાધે…’ આ બાબત ઘાટકોપરનો સંઘ યાત્રાએ ગયેલ ત્યારે પ્રખર દીગંબર આચાર્ય શ્રી
વિદ્યાસાગર મહારાજે મધ્ય પ્રદેશના ‘પિસનહારી મઢીયા આશ્રમમાં’ જાહેરમાં પ્રકાશેલ
-
‘યે મગન તો મગન હી હૈ’
તે શામાં મગન ? પરમકૃપાળુદેવમાં જ
‘રાજ મગન!!!’
લાંબા ૪૦૦-૫૦૦ કિ.મી. ના પ્રવાસ બાદ કે દુઃખતા ગોઠણ સાથે ઈડરના ઘંટિયા પહાડની યાત્રા વખતે, શારીરિક અસ્વસ્થતા સાથે આત્મસિદ્ધિના ૧૫૦ નમસ્કાર બાદ કે સમાધિમરણની ૩૬ માળા કર્યાં બાદ, કે દોઢ કલાક ઊંચા અવાજે સ્વાધ્યાય કર્યાં બાદ કે પછી ઉપવાસ સાથે બૃહદ આલોચના કે સંવત્સરી પ્રતિક્રમણ કરી આવ્યા હોય, એક તપ પૂરું થતા પાછું વળી વાંચવું-વિચારવું શરૂ જ, પછી ભલેને વૈશાખનો તડકો, ગરમી કે લૂ હો કે પછી શિયાળાની વહેલી સવારના ૪ વાગ્યાનો સમય હો - નિત્યક્રમ માત્ર એક જ - ભક્તિનો. માત્ર - ‘કામ એક આત્માર્થનું બીજો નહીં મનરોગ’
આ તો વાત થઇ મગનકાકા જાગતા હોય ત્યારની. પણ તેમનો દેહ જ્યારે સૂતો હોય ત્યારે એક અનોખો નિત્યક્રમ ચાલુ ! તે કેવો?! ચિત્ત ચિંતવે અને નીકળી પડે જાત્રાએ. વવાણિયા જન્મભૂમિથી શરુ કરી, તળાવડીઓ ફરી, બાવળના ઝાડે ચડી, જાતિસ્મરણ જ્ઞાન ઉપજ્યું તે વાગોળી પછી અગાસ, કાવિઠા, ખંભાત-વડવા, ભાદરણ, ધામણ, અમદાવાદ-પંચભાઈની પોળ અને નગરશેઠને વંડે આંટો મારી સુરત જીલ્લાના ગામડાઓ ફરી છેક ધરમપુરના જંગલો અને પાલીતાણા અને હમ્પી સૂધી દર્શન કરી ફરી આવે. વળી ઊંઘમાં પણ આત્મસિદ્ધિની ગાથા ચાલૂ હોય અને જો શરીર જાગે તો બાકીની ૨૦-૩૦ અધૂરી રહેલ ગાથા પૂરી કરી ‘આત્મસિદ્ધિ’ પૂરી થાય.
….અને એમ નહીં તો પૂ. શ્રી બ્રહ્મચારીજીએ બોધેલ તે પ્રમાણે જીભને ટેરવે રેણ-વેલ્ડીંગ કરેલ ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ મંત્ર’ - ઊંઘમાં પણ તેનું રટણ ચાલુ અને કાં તો આંગળીને વેઢે ગણવાનું ચાલુ જે અમોએ વારંવાર જોયું છે અને તેનું વિડીઓ રેકોર્ડીંગ પણ કરેલ છે.
તેઓનો જીવનમંત્ર હતો-
’ પા-ઉ-પ-જ ’
…જે શ્રદ્ધા વગર, માત્ર આચરવાથી પણ ફળે, જ્યારે બીજા મંત્રોમાં પ્રથમ શ્રદ્ધા જરૂરી
છે.
પા - ઓછા પાપે જીવવું,
ઉ - ઉપાધી ઓછી કરવી,
પ - પર આશ્રય ઓછો કરવો અને
જ - જરૂરિયાત ઓછી કરવી.
છેક ૧૦૦ વર્ષની ઉંમરે પણ તેઓ એકલા જ રહેતા - એકલા રહેવું પસંદ કરતા - અમુક વખત એકલા
રહેવા હઠ પકડતા. ‘દીનતા ન કરવી’ તે પૂ. બ્રહ્મચારીજીની શિક્ષા
તેઓએ શિર્ષાસાવંદ્ય ગણી આચરેલ !
પૂ. મગનકાકા એકસો પંદરથી વધારે વ્યક્તિઓને કે જેઓ પ.કૃ.દેવને રૂબરૂમાં મળ્યા હોય તેઓને મળ્યા હતા. જેમાં ૭ માંથી ૪ મુનિઓ - પૂ. પ્રભુશ્રીજી, શ્રી મોહનલાલજી મહારાજ, શ્રી ચતુરલાલજી મહારાજ અને શ્રી લક્ષ્મીદાસજી મહારાજ. અન્યમાં પંડિત લાલન, ખંભાતના શ્રી ત્રિભોવનભાઈ માણેકચંદભાઈ, ભાઈશ્રી- શ્રી પોપટલાલભાઈ મહોકમચંદ, શ્રી ઝવેરશેઠ, પૂ.જુઠાભાઇના મોટાભાઈ શ્રી જેસિંગભાઈ શેઠ તેમજ શ્રી સોમચંદભાઈ મહાસુખભાઈ, શ્રી નગીનભાઈ, શ્રી શિવજી દેવજી મઢડાવાળા અને ગાંધીજીનો સમાવેશ થાય છે. તેઓ ઘણીયે વાર કહેતા કે પ.કૃ.દેવ કરતા મોટી ઉંમરવાળા પંડિત લાલન અને ચૌદ વર્ષે મોટા પૂ. પ્રભુશ્રીજીના દર્શન થયા તો પ.કૃ.દેવના કેમ ન થાય? એ તો આપણાં ભાગ્ય ટૂંકા પડ્યા કે પ.કૃ.દેવનું આયુષ્ય ઓછું. આપણે થોડા વહેલા જનમ્યા હોત તો જરૂર પ.કૃ.દેવના સદેહે-દર્શન પણ કરત.
આ સાંભળી અમો એમ કહેતા કે- ‘અમારા ભાગ્ય કે તમો વહેલા ન જનમ્યા, નહીં તો પૂ. પ્રભુશ્રીજી અને પૂ.બ્રહ્મચારીજીની ગેરહાજરીમાં અમને પ.કૃ.દેવ કોણ ઓળખાવત? અને અમો કોની ભક્તિનો દાખલો લે’ત?’
પ.કૃ.દેવની ભક્તિ જગાવવામાં પૂ. શ્રી મગનકાકા સેંકડો મુમુક્ષુઓને પ્રત્યક્ષ નિમિત્ત બન્યા
હતા.
‘જયકાર શ્રી ગુરુદેવનો જન જગતમાંહીં ગજાવજો,
શુભ ભક્તના જે ધર્મ, તે અતિ પ્રેમ સાથ બજાવજો.’
છેલ્લે એક મોટી વાત, તેઓ
‘ગુરુ થવામાં માલ નથી’
એમ કહેતા. ગુરુ એટલે મોટો-ભારે-જલ્દી ડૂબે ! તેઓ એક શિસ્તપ્રેમી, ધગશવાળા નિષ્કામ ભક્ત
થવાનું પસંદ કરતા અને કોઈ નમસ્કાર કરે તો તે પોતાને ભીલ, વાઘરી, પામર ગણી, ન લૂંટવા
વિનંતી કરતા અને નમસ્કાર માત્ર પરમાત્મા શ્રીમદ્ રાજચંદ્ર ભગવાનને કરવા કહેતા.
‘સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.’
પૂ. શ્રી મગનબાપાના જીવનના રોચક પ્રસંગો
પૂ.પ્રભુશ્રીજી સુણાવ પધારેલા. મારી ૮ વર્ષની ઉંમર હતી. મારા કાકા સાથે હું પણ દર્શન અર્થે ગયેલો. મને એમ કે ભક્તિ એટલે મંજીરા, તંબુરા અને ઢોલકા હશે પણ અહીં તો બધા ગંભીરતાથી ભક્તિ કરતા હતા. (૨૦ દોહા, યમનિયમ, આત્મસિદ્ધિ વગેરે…)
અમારી શાળાના વર્ગ શિક્ષક પગપાળા પ્રવાસે વડવા લઇ ગયેલ તે વખતે મોટા દરવાજે પ.કૃ.દેવના ઉભા ખડ્ગાસનવાળા ચિત્રપટે મને પકડ્યો ! હું તો નજરાઈ જ ગયો તે એવો કે છ છ મહિના સુધી મને તે સ્વપ્નમાં આવ્યા
પ્રશ્ન: પચાસ-સાંઠ વિદ્યાર્થીઓ સાથે હતા, તમોને એકલાને જ એ ચિત્રપટથી આમ કેમ થાય ? કંઈ પૂર્વ જન્મ નું હોવું જોઈએ ને ?
ઉત્તર: કંઇ પૂર્વભવનું હશે જ ને.ઓગણીશમેં વર્ષે, મારા વરિષ્ઠ માસ્તર મનહરભાઈ અને નારણ લક્ષ્મીદાસ સાથે હું અગાસ મંત્ર લેવા ગયો. મેં અમારા કૂળના રીવાજ મુજબ રૂપિયાનો સિક્કો પૂ.પ્રભુશ્રીજીના પગ આગળ મૂક્યો અને પછી…
મેં કહ્યું: બાપા મને મંત્ર આપો.
(પ્રભુશ્રીજી - જે ચરોતરમાં ‘બાપા’ તરીકે ઓળખાતા અને આશ્રમ પણ ‘બાપાનો આશ્રમ’ !) પ્રભુશ્રીજી ઓછું સાંભળતા, બ્રહ્મચારીજી જે બાજુએ જ ઉભેલા,
તેમને પૂછે છે : આ છોકરો શું કહે છે ?
બ્રહ્મચારીજી : મંત્ર માંગે છે.
પ્રભુશ્રીજી : આ છોકરાને રાજમંદિરમાં જઈ, સમજાવી મંત્ર આપી દે.
અમો ગયા. બ્રહ્મચારીજીએ - તત્ત્વજ્ઞાનને છેલ્લે પાને પાના નંબર નોંધી (૨૦ દોહા, યમનિયમ, ક્ષમાપનાના ) સહજાત્મસ્વરૂપ પરમગુરૂ મંત્ર ,સાથે સાથે સાત અભક્ષ્ય ત્યાગ, સાત વ્યસન ત્યાગ અને રાત્રિ-ભોજન ત્યાગની આજ્ઞા આપી.
**મેં કહ્યું:** મને બ્રહ્મચર્યની આજ્ઞા આપો.\
બ્રહ્મચારીજી નકારતાં : માબાપને પૂછીને આવો, તે માટે તૈયાર થઇ
આવો, ત્યારબાદ…
મેં કહ્યું: હું તૈયાર જ છું.
ખૂલાસા માટે પ્રભુશ્રીજી પાસે પાછા ગયા. પ્રભુશ્રીજી પાસે વાત કહી સંભળાવી.
આત્મજ્ઞાની-ઓલિયા સંતે સામું જોયું અને બોલ્યા : એને બ્રહ્મચર્યની આજ્ઞા
આપી દે
(સ્મિત સાથે - ‘આ મુજબ મેં વ્રત ખેંચીને લઈ લીધું !’)
પ્રશ્ન: આ ઉંમરે ન પરણવાનું કારણ ? એ વિચાર જ શાથી ઉગ્યો ?
જવાબ: ખીચડી કરતા આવડી ગઈ હતી અને નિશાળનો રૂ.૧૦/- નો પગાર ચાલુ થયો હતો, તો હવે ઘર માંડવાનું કારણ શું?
(બહુ પુણ્ય કેરા પુંજથી મળેલ માનવ દેહ એળે શા માટે ગુમાવવો ?)
આગળ વધુ ખુલાસો માર્મિક રીતે થયેલ તે નીચે મુજબ છે.એક વાર પૂ.બ્રહ્મચારીજી તીર્થયાત્રાએ નીકળવાના હતા તે પછી ‘ક્યારે દર્શન થશે ?’ એ વિચારે નિશાળ છૂટી કે દોડતાં દોડતાં પગપાળે અગાસ પહોંચ્યો.
બ્રહ્મચારીજીએ મારી સામું જોયું અને જાણી ગયા -
પૂછ્યું : ભૂખ્યો આવ્યો છે ?
સાધક-સમાધિ ખાતે (બ્રહ્મચારી ભાઈ-બહેન માટેનું રસોડું) રસોઈ કરનાર
રણછોડને કહે : ખીચડી છે ? હોય તો આપ, આ ભૂખ્યો આવ્યો છે.
ખીચડી ખાધી. હવે સાધક - સમાધિ ખાતે ખીચડી ખાધી, તેને હાથ સોંપી દીધો, હવે બીજે
ક્યાંય અપાય ? (બીજે પરણાય ? …ઓર ન ચાહું રે કંત !)
પછી તો મગનબાપાના સંગે એ કાળમાં, એટલા નાના એવા ગામ સુણાવમાં ૧૩ -૧૩ વ્યક્તિઓએ
આજીવન બ્રહ્મચર્ય વ્રત સ્વીકારેલ ! વળી તેઓ ક્યારેક ભૂતકાળ વાગોળતા કહેતા કે અમુક ઘરડી
ઉંમરના લોકો કરડી નજરે મારી સામું જોતા અને તેઓના સંતાનોને કહેતા -
**'આ મગનાનો સંગ કરવો નહીં, જે કોઈ એનો સંગ કરશે તે વાંઢો - કુંવારો રહી જશે !'**
મેં પૂછ્યું: દોડતાં-દોડતાં આશ્રમે ગયા તે ગાડામાં ગયા હો તો ?
જવાબ: ગાડું તો લગ્ન હોય ત્યારે વરરાજાને બેસવા મળે, બાકી બીજા બધાંને પગપાળે જ હેડવાનું ! (ચાલવાનું હોય)મેં પૂછ્યું: તમોએ દેવ-દેવીઓને માનવાનું ક્યારે છોડ્યું ?
જવાબ: વડવા આશ્રમને મોટા દરવાજે પરમકૃપાળુદેવના ઉભા ચિત્રપટના દર્શન થયા ત્યારથી જ દેવ-દેવીની માન્યતા સદંતર મૂકી દીધી.
(મેં તુજ કારણ સ્વામી, સૂર ઉવેખ્યા ઘણાં !) (દ્વેષભાવ નહીં, મારે તેઓ પાસેથી કંઈ ભૌતિક જોઈતું નથી એ ભાવે)મેં પૂછ્યું: આટલી નાની ઉંમરે આ બધું વિચારમાં - અમલમાં કેમ આવે ?
જવાબ: પછી બ્રહ્મચારીજીએ ‘ઈશ્વરનો ઇનકાર’ અને ‘મોક્ષમાર્ગ પ્રકાશક’ આ બે પુસ્તક વાંચવા આપ્યા, તેમાં મિથ્યા માન્યતાનો સમૂળગો રેચ (જૂલાબ) લાગી ગયો.પછી તો માસ્તર તરીકે છોકરાઓ પાસે ઝાડ પર વ્હેમ અને મિથ્યા માન્યતાને આધારે લટકાવેલ ધજાઓ મંગાવી શાળામાં બોર્ડ સાફ કરવા ડસ્ટર તરીકે વાપરતો - મિથ્યા માન્યતા-અંધશ્રદ્ધા કઢાવવા. (કોઈ દ્વેષ ભાવે નહીં, ભૌતિકની લાલચ છોડાવવા)
હું તો અમાસની રાત્રે ૧ વાગે પાળજ સ્મશાનમાં જઈ પડકાર કરતો કે, ’ કોઈ દેવ-ભૂત-પ્રેત-ડાકણ હોય તો આવો, હું તમારો પ્રચાર કરીશ.’ પણ હોય તો આવે ને !
એક વખત - એક પ્રખ્યાત તીર્થે - ટોપી ઉતારી, માથું ખુલ્લું કરી-
‘સત્ત હો તો આ માથું ઉડાવ’
આ પડકાર કરેલ કોઈ યક્ષ સમક્ષ.
**'અહીં મારા વીતરાગ દેવની આશાતના કરવા, તેનું માહાત્મ્ય ઓછું કરવા કાં બેઠાં ?'**
દ્વેષ ભાવે નહીં પણ વીતરાગ સિવાય આ માંથું બીજે નમે નહીં.
મેં પૂછ્યું: બ્રહ્મચારીજી સાથે નિયમિત સત્સંગ થતો કે ?
જવાબ: શની, રવી, દિવાળી, વેકેશન કે રજા દરમ્યાન હું ત્યાં જઈ મૂંગો બેસી જતો. મુમુક્ષુઓ બ્રહ્મચારીજીને પૂછે તે અને તેના જવાબો સાંભળ્યા કરું. બ્રહ્મચારીજી જે પત્રો લખે (પત્રસુધા) તે મને વાંચવા આપે, હું વાંચું, કાગળ બીડી, લીમડેથી લાવેલો ગુંદર લગાવી, ટપાલમાં પોસ્ટ કરું.મેં પૂછ્યું: બ્રહ્મચારીજી સાથે પરિચય કેટલો અને કેવો ?
જવાબ: ઘનિષ્ટ પરિચય. ઘણા બધા સ્થળોએ તેઓ સાથે હું જાત્રાએ જતો - ચરોતરમાં બધેજ, વવાણિયા પ્રતિષ્ઠા, ભાદરણ પ્રતિષ્ઠા (પૂ.શ્રી બ્રહ્મચારીજી લિખિત જીવનકળાની પ્રભાવના), રાજકોટ, ઇડર, પાલીતાણા, વગેરે વગેરે…મેં પૂછ્યું: આઝાદીની લડાઈમાં ભાગ લીધો હતો કે ?
જવાબ: શાળામાં વાનરસેનામાં એક સભ્ય તરીકે ખરો, પણ ખાસ રસ નહીં. ‘પરમકૃપાળુદેવને મળ્યા બાદ હવે આત્માને કર્મની ગુલામીમાંથી છોડાવવાની વાત છે ત્યાં અંગ્રેજોની ક્યાં વાત કરવી?’ એ બધું છેવટે તો વ્યવહાર જ ને.મેં પૂછ્યું: ગાંધીજીનો પરિચય ખરો કે ?
જવાબ: ગાંધીજીએ હરિજનવાસથી નીકળતા - નવજીવન નામના માસિક છાપામાં લખી નાખેલ - કવિએ (યુવારાજ-પ.કૃ.દેવ) અવધાન વેળા રચેલ કવિતા ઉતાવળે રચી હોય એટલે સંપૂર્ણ ન હોઈ શકે-ભૂલ હોય.
તેઓને ખુલાસા સાથે મેં (મગનકાકાએ) લખ્યું કે “અહીં તમો ભૂલો છો. પૂર્ણ જ્ઞાનીનો ઉપયોગ ‘એક સમયવર્તી’ હોય અને અજ્ઞાનીનો ‘અસંખ્યાત સમયવર્તી’ એટલે જ્ઞાનીથી ભૂલ ન થાય, અજ્ઞાનીને ભૂલ સંભવે."
ગાંધીજીએ ફરીના અંકમાં આ અંગે છપાવ્યું- "હું જૈનની પરિભાષાથી અજાણ અને જ્ઞાનીના ઉપયોગ વિષે અમાહીતગાર હતો એટલે આ મુજબ લખી નાખ્યું એ મારી ભૂલ હતી. હું મારું આ લખાણ પાછું ખેંચી લઉં છું.”
આ પરિપત્ર - છાપું અમને બતાવતા કહેલ-
**'પરમકૃપાળુદેવનું કોઈ ઘસાતું બોલે તે ન પોસાય'**
પ્રશ્ન: તીવ્ર વેદની આવે ત્યારે શાંતિ કેમ કરીને રહે?
જવાબ: પાંત્રીશ વર્ષની ઉંમરે બંદુકની ગોળી છાતીમાં વાગી તે ફેફસું ફોડી આરપાર નીકળી ગઈ. લોહીનો ફૂવારો છૂટ્યો. વીજળી વગરની ઈસ્પિતાલમાં ઈલાજ દરમ્યાન પણ હું પ.કૃ.દેવની ભક્તિ કરતો અને અન્ય દર્દી અને તેના સંબંધીઓને કરાવતો. ભાવના ભાવતો કે ‘હે ! પ.કૃ.દેવ થોભજો, હું આવુ છું. આપણે મોક્ષનો સંગાથ કરીશું !’પ્રશ્ન: મોતનો ડર લાગે કે નહીં ?
જવાબ: મરું તો પણ શું વાંધો છે ? સારું, પ.કૃ.દેવ પાસે જાઉં કે કોઈ અન્ય ક્ષેત્રે સારો સત્સંગ મળે. હું અહીંયે ભક્તિ કરું છું તો બીજે જઈને શું કરવાનો ? અહીં પરણ્યો નહીં, બીજે જઈ પરણવું નથી. અહીં ધંધો નથી કરતો, બીજે જઈ દુકાન નથી માંડવી. ભક્તિ જ કરવી છે.‘જીવું તો જિનવર જપું, મૂએ મુક્તિ પાઉં;
દોનો હાથમેં લડ્ડુ, જો ભાવે સો ખાઉં.’મેં પૂછ્યું: તમારો મેટ્રીકમાં આખા ગુજરાત બોર્ડમાં ૧૧મો નંબર આવેલો (મેં તે વર્તમાનપત્ર મેડા પરના કબાટમાં જોયેલું!) તો આગળ ભણ્યા કેમ નહીં ? આ વિશાળ વાંચન સાથે ગ્રેજ્યુએટ થઇ પ.કૃ.દેવ પર પી.એચ.ડી. વગેરે થવાત ને !
જવાબ: અમારે બાયડી (સ્ત્રી), પી.એચ.ડી.- બધી બાયડીની બાધા છે તે ! શું કરવી છે એને? ભણેલો વધુ ભૂલે.
(વગર પૂછ્યે - ‘અધ્યાત્મમાર્ગમાં પી.એચ.ડી. થવું કે નહીં?’- તેનો જવાબ મળી ચૂક્યો.)મેં પૂછ્યું: તો પછી ઉર્દૂની છઠ્ઠી પરીક્ષા - કાબીલ પણ પાસ કરી અને વણાટ પણ શીખ્યા તે શા માટે?
જવાબ: એ તો મારે હેડમાસ્તર તરીકે શિક્ષકોને હિન્દી-ઉર્દૂ શીખવવાનું માથે આવ્યું અને વણાટ શીખવવાની જવાબદારી પણ આવી પડી તે આપણને સોંપેલ જવાબદારી પૂર્ણ કરવા સારું જ. આપણને જે કામ સોપ્યું હોય તે પૂરું કરવું - વેંઠ નહીં ઉતારવી એ ખ્યાલ મનમાં ખરો.પ્રશ્ન: તમોએ બ્રહ્મચારીજીને (તેઓની હયાતી બાદ) કોઈ જ્ઞાની-સત્પુરુષ બાબત પૂછેલ કે ?
જવાબ: તેઓએ કપાળ કુટેલ !પ્રશ્ન: તમોને ધર્મ-પ્રભાવના વિષયક કંઈ આજ્ઞા આપી છે ?
જવાબ: એક જ આજ્ઞા પરમકૃપાળુદેવની ભક્તિ કરવાની. વચનામૃત વાંચવાની. હા, એટલું ખરું કે તેઓએ કહેલ કે કોઈને જો રસ હોય તો તારે વચનામૃત વાંચી સંભળાવવું.પ્રશ્ન: તમોએ એ બાબત શું કરેલ ?
જવાબ: સીમરડા, પોરડા, સુણાવ, રૂપીયાપરા, કાવિઠા, બાંધણી, આશી, સંદેસર, પાળજ, કાસોર વગેરે સ્થળે હું શિક્ષક તરીકે મારી બદલી થાય તે ફર્યા કરતો અને જ્યાં જાઉં ત્યાં ૧૦-૧૫ ઘર પ.કૃ.દેવની માન્યતા વાળા કરતો જાઉં. સુણાવમાં તો મોક્ષમાળાની પાઠશાળા ચલાવેલ જેમાં ૫૦ છોકરા આવતા. આજેય હજુ તેમાંના ઘણા ડોસા જીવે છે ને ભક્તિ કરે છે. મારી પાઠશાળાની મુલાકાતે શ્રી બ્રહ્મચારીજી, પંડિત લાલન અને શિવજી દેવજી મઢડાવાળા વગેરે આવતા.
મેં તો ગાંધીજી, રવિશંકર મહારાજ, કાકા કાલેલકર, વિનોબા ભાવે, બાલ્કોબા અને બીજા કેટલાકને પ.કૃ.દેવના અતિશયોની વાતો કરી છે.
પ્રશ્ન: આ ખેતર, ઘર બધું વેચી કેમ નથી દેતા ?
જવાબ: આ કાળ દીક્ષા માટે પ.કૃ.દેવે અનુકૂળ નથી ગણ્યો. રળ્યો રોટલો ખાવો, હાથ લંબાવી દીનતા કરવાની અમને બ્રહ્મચારીજીએ ‘ના’ કહી છે. લાચારી ન કરવા જણાવ્યું છે. બ્રહ્મચારીજીએ પાણીનો એક પ્યાલો પણ કોઈ પાસે માંગ્યો નથી તો ?હું પોતે પણ ખાસ પ્રયાસ કરી પરમકૃપાળુદેવને રૂબરૂ મળ્યા હોય એવા ૧૧૫ વ્યક્તિઓને-મૂળ વાતો જાણવા અને માણવા મળ્યો છું. જેવા કે પ્રભુશ્રી અને બીજા ત્રણ મુની, પંડિત લાલન, ત્રિભોવન માણેકચંદ, સોમચંદ મહાસુખરામ, કાવીઠાના ઝવેરશેઠ, જૂઠાભાઈના મોટાભાઈ જેસિંગભાઈ, પોપટલાલ મહોક્મચંદ, ગાંધીજી વગેરે અને સોભાગભાઈના ભાણા-ધીરૂભાઈ, મુનદાસના મોટાભાઈ ભાઈલાલ પ્રભુદાસ (મગનબાપાના વર્ગ શિક્ષક) અને તેઓની સાવકી મા, વગેરે વગેરે…"
મુનિ ચતુરલાલજી તો પ.કૃ.દેવના પ્રત્યક્ષ પરિચયમાં આવેલ. એક વેળા તેઓનું ચોમાસું સુણાવ હતું. સુણાવને ઉપાશ્રયે તેઓ સાથે આખી આખી રાત સત્સંગ-ગોષ્ઠિ થાય. તેઓ છ ફૂટ ઊંચા અને કદાવર બાંધાના હતા જ્યારે પ.કૃ.દેવનો બાંધો નીચો અને કાંઈ કદાવર નહોતો.
એક વેળા તેઓ કહે : પ.કૃ.દેવ મુંબઈથી પધારવાના હોય ત્યારે અમે સ્ટેશને સામે જઈએ. હું ડબ્બા સાથે દોડું અને ગાડી ધીમી પડે કે તુર્તજ પ.કૃ.દેવને તેડી લઉં-ઉતરવા જ ન આપું. હું તો તેઓને તેડી નાચું કે મારો ભગવાન આવ્યો-મારો ભગવાન આવ્યો. મોટા મહારાજ (પ્રભુશ્રીજી) મને ભાંડે (ખીજાય) કે ‘મેલ ગાંડિયા, ભગવાનને ઊંચકીને નચાય નહીં’, પણ હું કંઇ છોડું જ નહીં.
આ વાતો પૂ.મગનબાપાએ અમોને પણ ઘણીએ વાર કહી સંભળાવી છે. તેઓ જણાવતા કે આ વાત કરતાં મુનિ ચતુરલાલજીની આંખમાં ચમકારો જણાતો.
- મેં પૂછ્યું: નવકારમંત્રમાં પ.કૃ.દેવને ક્યાં મુકવા? સિદ્ધ તો
સિદ્ધશિલાએ, અરિહંત તો મહાવિદેહે અને સાધુ, ઉપાધ્યાય અને આચાર્ય તો ગૃહત્યાગી
હોય.
જવાબ: તમો હમણાં ક્યાંથી આવ્યા ?
મેં કહ્યું: નીચે ભોંયરામાં દર્શન કરવા ગયેલ. (વડવા આશ્રમમાં ભોંયરે દેરાસરમાં)
જવાબ: તે મૂર્તિ શેની હતી ?
મેં કહ્યું: આરસની.
પ્રશ્ન: તેમાં જીવ હોય કે ?
મેં કહ્યું: ના.
જવાબ: પ.કૃ.દેવ તરફ આંગળી કરી - “આ જીવતી મૂર્તિ (‘સજીવન મૂર્તિ’)"
પછી આગળ પૂછ્યું : પરમાત્માને શરીર સંભવે ?
મેં કહ્યું: અશરીરી હોય, અગંધે-અવર્ણે-અસ્પર્શે વગેરે…
જવાબ: આ ‘દેહધારી પરમાત્મા!’
આગળ પૂછ્યું : મોક્ષ દેખાય કે ?
મેં કહ્યું: તે તો અગમ, અગોચર, નિરંજન, નિરાકાર જ હોય ને…
જવાબ: આ ‘મૂર્તિમાન મોક્ષ’ જોઈ લ્યો. પ.કૃ.દેવ ભગવાન જ, મહાવીર જ, પરમાત્મા જ… નવકારની ઉપર. નવકારના તે જનક. નવકાર બનાવે કોણ ? બનાવ્યો કોણે ? તેણે જ, સત્પુરૂષે જ ને !
અમને પ્રભુશ્રીજીએ કહ્યું છે કે,
એક પ.કૃ.દેવને ભજતા બધાં જ્ઞાનીઓ આવી જ ગયા.
- એક વખત (શરૂ શરૂમાં) મેં કહ્યું: હું મુંબઈનો મોટો ડોક્ટર છું,
સ્પેશ્યાલીસ્ટ છું, આ મારું કાર્ડ મૂકુ છું.
જવાબ: હા. મૂકી દ્યો. આવા ઘણા કાર્ડ લોકો મૂકી જાય તે આઠ-દસ દા’ડે પછી પાછા ખોવાય જાય છે.
જાણે કંઈ મહાત્મ્ય જ નહીં ! મારી ડીગ્રી-ભણતર બાબત પૂછે તો હું બોલવાનું શરુ કરું ને ? કહું-કહું થતું હતું પણ પૂછે તો ને? પણ તેઓને તો….
**'અચિંત્ય રાજ-માહાત્મ્યનો પ્રફુલ્લિત ભાવ'**
આવી ગયો હોય એટલે આ બધું…
**'આત્માથી સૌ હીન જ લાગે'**
તે સ્વાભાવિક હતું. જો કે આ બધું ત્યારે કંઈ આટલા અલ્પ-પરિચયમાં સમજાયું ન હોય પણ તેઓ પાસે ‘કંઈક તો હશે’ કે આ મહાત્મ્ય જ નથી જણાતું એટલું તો વિચારમાં અમને પણ આવ્યું.
**'જિસ ધનસે બની ધની, માને મણીને કાચ;\
તે ધનની જીણી કણી, નમી યાચું તુજ પાસ.\
હે રાજ ! નમી યાચું તુજ પાસ.'**
સૌ પ્રથમ અમો બાંધણી આશ્રમ ગયા ત્યારે તેઓનું ધોતિયું, તેઓએ ના કહી છતાં, ધોવા લઇ લીધું હતું. આગલે અઠવાડિયે ફરી અમો મુંબઈથી બાંધણી પહોંચ્યા ત્યારે તેઓ ધોતિયું પલાળી, ભીંજવી, સુકવીને ગંભીરતાથી બેસી ગયા હતા. અને પ્રથમ જ ખુલાસો કર્યો કે તેઓનું ન્હાવા-ધોવાનું પતી ગયું હતું.
અમો શનીવારે સવારે આણંદથી બાંધણી જવા ઓટો રિક્ષા કરીએ તે સુણાવ થઇને લેવા જણાવતા એટલે તેઓને પણ સાથે લઇ લેવાય. આવું એકાદ વાર થયું એટલે ત્યારબાદ તેઓ આગલે દિવસે સાંજે જ આશ્રમમાં આવી પહોંચતા જેથી અમારી રિક્ષાની સગવડ ન લેવી પડે.
વળતી વખતે રવિવારે રાત્રે અમો આણંદ રેલવે સ્ટેશને જવાની રિક્ષા સુણાવ થઈને લેવા કહેતા એટલે તેઓને રિક્ષામાં ઘેર પહોંચાડી દેવાય. આવું એકાદ વાર કર્યું કે તેઓ ત્યારબાદ સોમવારે સવારે ઘેર જવા નીકળવા લાગ્યા એટલે તેઓને રિક્ષામાં અમારી સાથે આવવું ન પડે.આરતીમાં નાખવાના આઠ આનાના સિક્કા-પરચુરણ હું રાખતો. દસ રૂપિયાની નોટ તેઓ મને આપે તેના બદલામાં હું ૨૦ને બદલે જાણી જોઈને ૨૪-૨૫ સિક્કા મુકી દઉં જેથી તેઓને સિક્કાની ગોઠવણ અમારી ગેરહાજરીમાં પણ ન કરવી પડે, તો તેઓ મારા જવા બાદ ગણીને વધારાના સિક્કા “તમોએ ઉતાવળમાં ૪ સિક્કા વધુ મૂકી દીધા છે” એમ જણાવી વધારાના પાછા આપતા !
લાખો રૂપીયાની મિલકત- ૧૮ ઓરડાનું ઘર, ફિક્સ ડિપોઝિટની રસીદો, વર્ષોનું ભેગું થયેલું પેન્શન વગેરે - પૈસાની ખોટ નથી પણ હવે કંઈ વાપરવું જ નથી, શું ભોગવવું છે ? એ ખ્યાલે એક પણ વસ્તુ ખરીદ પણ કરતા નહીં.
સો વર્ષના દીર્ઘ આયુષ્યમાં શરીરે તેલ કે સાબુ અડક્યા જ નહીં, કપડાં સાબુ વગર, ફક્ત પાણીથી ધોઈ લેવાના (કપડાં બહુ ઘસીએ તો જલ્દી ફાટે એમ કહેતા !), દાઢી અઠવાડિયે-પંદર દિવસે એક વખત તે પણ સાબુ વગર માત્ર પાણીથી જ. એ બ્લેડ અને રેઝર ૪૦-૫૦ વર્ષ જુનું, આઠેક મહીને માથાના વાળ કપાવવાના અને બે ટોપીઓ તો ૪૦-૫૦ વર્ષ જૂની !જિંદગીના ઘણા વર્ષો સુધી લાકડી પણ નહીં (૯૧મેં વર્ષે આસો - વદ એકમના આત્મસિદ્ધિના ૧૫૦ નમસ્કાર અમોએ સાથે કર્યા છે, માણ્યા છે.)
એ વખતે આસો વદ-૧ ને દિવસે મેં કહ્યું: તમો આરામ કરો અમો નમસ્કાર
કરીએ છીએ.
જવાબ: રોજ ક્યાં ? વરસે એક વાર જ આવે છે ને આટલા નમસ્કારનો
દહાડો.
અને ૧૫૦ નમસ્કાર કર્યા પણ ખરા!
ચશ્માં છેવટ સુધી નહીં જ - કોણ બોજો વધારે? નવ નવ વર્ષોથી ડાબી આંખે તદ્દન અંધાપો હતો અને ફક્ત એક જમણી આંખે જ વાંચતા જેની અમોને પણ બહુ છેલ્લે જાણ થઇ હતી ! તે પણ અકસ્માત જ ! ફરિયાદ રૂપે નહીં જ.
કોઇપણ સ્થળે સત્સંગ માટે જવાનું હોય ત્યારે થેલીમાં એક જોડી કપડાં, ટુવાલ-રૂમાલ, ટોપી, (અને શિયાળો હોય તો શાલ, સ્વેટર, કાનટોપી) અને આરતીમાં નાખવાનું પરચુરણ, બસ - આટલો જ પરિગ્રહ !
એક વખત ઘાટકોપર મંદિરમાં ચૈત્ર - સુદ ૧૩ થી ચૈત્ર - વદ પંચમી સુધી સ્વાધ્યાય-ભક્તિ હતી. તેમાં તેઓને વાંચન માટે આમંત્રેલા. અમો બાંધણીથી મુંબઈ તેઓને અમારે ઘેર લઇ આવેલ.
કાર્યક્રમ પત્યો કે મને સહજ જ સરળતાથી કહે : મને તમો મેલગાડીમાં-ટ્રેનમાં બેસાડી દ્યો એટલે હું સુણાવ પહોંચી જઈશ, તમારે નકામું ટીંચાવું નહીં.
અમો મૌન જ રહ્યા. શું જવાબ આપવો? કંઈ અપેક્ષા જ નહીં ! નિસ્પૃહતા !
અમો ત્રણ જણા ફેબ્રુ.-૨૦૦૫માં સમેત્તશિખર યાત્રાએ ગયેલ. અજાણ્યા પ્રદેશમાં આ ઉંમરે વધુ ન રોકાવું પડે તે હેતુથી ફ્લાઇટમાં જવા-આવવાનું અમોએ ગોઠવેલ. સવારે સાડા ત્રણ વાગે નીકળી વહેલા ચડવાનું શરૂ કર્યું અને લગભગ ટોંચે પહોંચ્યા ત્યારે ‘હવે કેટલું બાકી રહ્યું ?’ તેમ ઉપર નજર કરી પૂછ્યું અને પછી બોલ્યા-
‘આપણે માટે તો ઇડર જ સમેત્તશિખર હો કે!’
પ.કૃ.દેવ પરમાત્માએ સ્પર્શેલ ભૂમિ - ઇડર, દેહ છોડ્યો રાજકોટ અને સુવર્ણ ભૂમિ - વડવા ક્ષેત્રને કહી છે. આટલી સરળતાથી તીર્થયાત્રા કોને કહેવાય તે સમજાવી દીધું.
ચરોતરના બધાં જ મંદિરો કેટલીયે વાર, વવાણિયા, રાજકોટ, ઇડર, વટામણ, હમ્પી, બેંગ્લોર, દેવલાલી, સાયલા અને પાલીતાણા, પાવાપુરી, સમ્મેતશિખર - બધે તીર્થયાત્રા અને ક્ષેત્રસ્પર્શના તો કરી પણ તેઓ છેલ્લે કહેતા-
‘હવે આ મડદું ફેરવ ફેરવ ન કરો, ખર્યું પાન કહેવાય, ક્યાંક મર્યો તો તમારે માથે પડીશ. બધું જ- બાળવા કરવાનું તમારે માથે આવી પડશે.’
અને… આવી માર્મિક, મોઘમમાં બોલવાની પદ્ધતિ અમો હવે આટલા વર્ષના સમાગમે, સમજતા થઇ ગયેલ અને એ મુજબ બનનાર બન્યું પણ ખરું… તે સાથે અમોને સમાધિમરણ કોને કહેવાય ? તે શાસ્ત્રોમાં વાંચેલ તે પ્રત્યક્ષ જોવા, જાણવા, માનવા અને માણવા પણ મળ્યું ! આ પરમકૃપાળુદેવની કૃપા! … ‘અહો ! અહો ! શ્રી સદ્ગુરૂ…’
શાળાના વિદ્યાર્થીઓ અને તેઓના માં-બાપ સર્વે નિશાળ નજીક એક ઝાડ નીચે કોઈ બાવાજી બેસતા ત્યાં દર્શને આવતા. માતાજીને દીવો-અગરબત્તી કરી, નીચે રાખેલ થાળમાં પૈસા નાખી, દર્શન કરી જતા અને સાથે બાવાજીને ફળ, અનાજ કે કપડા વગેરે યથાશક્તિ આપતા. આ વાત મારા ધ્યાનમાં આવતા મેં એ જ ઝાડ પર નિશાળના છોકરાઓ પાસે ત્રિશૂળની નિશાની જેવી ‘કોતરણી’ કરાવી અને થોડાક જ દિવસોમાં ઝાડના થડે એવા જ બીજા માતાજી પ્રગટ થયેલ દેખાડ્યા ! લોકોને સ્વાનુભવથી મર્મ સમજાયો અને પેલા બાવાજીએ પણ પછી ત્યાંથી સમજીને વિદાય લીધી.
રક્ષાબંધનના દિવસે પૂનમ હોઈ ઘણાં આત્મસિદ્ધિ કરવા આવે. સત્સંગ દરમ્યાન હાથ પર રાખડીના ઝૂમખા બાંધેલ એક-
જિજ્ઞાસુ ભાઈ પ્રશ્ન કરે છે : આ રાખડી તો રક્ષણ કરેને?
મગનબાપાએ તુર્ત જ ખુલાસો કર્યો : મને આ જુઓ ૧૦૦ વર્ષ થવા આવ્યા અને
મેં તો ક્યારેય રાખડી બંધાવી નથી તો યે મર્યો નહીં !
- એક ભાઈ સંપ્રદાયની ગાઢી પક્કડ સાથે દિગંબર આમ્નાયને ટાંકીને બોલ્યા : તમો પ.કૃ.દેવને
ભગવાન માનો છો અને જ્ઞાની તરીકે ગાઓ છો પણ તેઓ તો ગૃહસ્થી હતા ને ?
પૂ.મગનબાપાએ તેને સમાધાન થાય (સાથે હળવાશ પણ અનુભવાય) તે મુજબ મતમતાંતરથી પર રહી સ્મિત કરતા-
ખુલાસો કર્યો : અમારા ભગવાન - રામ અને કૃષ્ણ પરણ્યા જ હતા એટલે અમને આ વિકલ્પ ઉઠતો જ નથી !
અગમ એંધાણ - દેહવિલયના
છેલ્લા છ-આઠ મહિનાથી તેઓ અવારનવાર કહેતા-
‘હવે કંઈ ખાવાની રુચિ રહી નથી.’
જોકે કોઈ ખાસ રોગના ચિન્હો નહોતા પણ ખોરાક ઓછો કરી નાંખેલ. એ પણ એક ભાવિનું એંધાણ તો હતું જ. પણ… અમો વડવા આશ્રમમાં, દિવાળીની માળા અર્થે ઓક્ટોબર ૨૦૧૪માં મુંબઈથી આવવા નીકળ્યા ત્યારનો આ પ્રસંગ છે. દેહ વિલયના સાડા સાત મહિના પહેલા બનેલ આ પ્રસંગનું વિડીઓ રેકોર્ડીંગ પણ કરેલ છે.
છેલ્લા એક દોઢ વર્ષથી એમના ખેતરે તેઓ ગયેલ ન હતા જે અમારા ધ્યાનમાં હતું કેમકે વર્ષમાં
એકાદ વાર ખેતરે આંટો મારવાનું બનતું, એટલે-
અમોએ મગનકાકાને પૂછ્યું : ખેતરે આંટો મારી આવવો છે?
તો કહે : કંઈ નહીં, કોણ ટીચાય નકામું.
અમોએ કહ્યું : અમને કંઈ અગવડ નથી.
તો થોડી વાર પછી, વિચારી કહે : ઠીક ત્યારે જઈ આવીએ, પછી ફરી
ક્યાં જવાના છીએ ?
આવો જવાબ માર્મિક જણાયો, અને તુર્તજ અમે ખેતરે જવા ગોઠવ્યું. ( જાણે ખેતરની આખરની ક્ષેત્ર સ્પર્શના પૂરી કરવા !)
સાડા નવ્વાણું વર્ષની ઉંમર, થાક અને નબળાઈ સાથે (આગલે દિવસે મુંબઈથી નીકળી, આખી રાત્રીની ટ્રેઈનની મુસાફરીનો થાક, રાત્રે ૧૨.૩૦ વાગે ટ્રેઈનમાં સુઈ જઈ સવારે ૩ ૧/૨ વાગે ઉઠી, સવારે ૬ વાગે સુણાવ પહોંચી, નાહી કરી, એક કિલોમીટર જેટલું અંતર ચાલીને (ભત્રીજીને ઘેર મુંબઈથી આવ્યાની અને પાછા વડવા દિવાળીની માળા કરવા જવાની જાણ કરી પાછા ફરી) સવારે ૮.૩૦ વાગે સુણાવ ખેતરે પહોચ્યાં. અમે બે જણે બન્ને બાજુથી પકડી રાખી, આખા ખેતરની ક્ષેત્ર સ્પર્શના પૂરી કરી !
કોઈ ચર્ચા કે પૂર્વ યોજના વિના જ, તેમણે
‘ફરી ક્યાં જવાના છીએ ?’
એ માર્મિક વચન કહેલ તેથી કરી તે ક્ષેત્રને નમસ્કાર કર્યા. (વિડીઓ રેકોર્ડીંગ કરેલ છે).
‘જાણે આ ખેતરે ફરી ક્યારેય આવવાનું જ નહોતું!’ (અને બન્યું પણ એમજ)
“જગતમાંથી જે જે પરમાણું પૂર્વકાળે ભેળાં કર્યા છે તે હળવે હળવે તેને આપી દઈ ઋણમુક્ત થવું, એ જ
તેની સદા સઉપયોગી, વ્હાલી, શ્રેષ્ઠ અને પરમ જીજ્ઞાસા છે, બાકી તેને કંઈ આવડતું નથી, તે
બીજું કંઈ ઈચ્છતો નથી, પૂર્વકર્મના આધારે તેનું સઘળું વિચરવું છે….” (વ.મૃ.- ૩૭)
અમો શ્રીમદ્ રાજચંદ્ર મંદિર, દેવલાલીને ૫૦ વર્ષ પૂર્ણ થયા, તેના ઉત્સવ નિમિત્તે ભક્તિ-સ્વાધ્યાય અર્થે, દેવલાલી, નવેમ્બર-૨૦૧૪ ના પહેલા અઠવાડિયા દરમ્યાન ગયેલ (તા. ૧ થી ૬). મુંબઈના પચીસેક મુમુક્ષુઓને પૂ.શ્રી મગનબાપાના સત્સંગ-સમાગમના ઘણા સમયના ભાવ હોવાથી અમારે ઉતારે તેઓ સાંજના દેવવંદન બાદ આવેલ.
આવનાર મુમુક્ષુઓની રૂચી અનુસાર દર વખતે હું મગનકાકાને અર્ધો-પોણો કલાક બોધ આપવા વિનંતી કરતો, તેથી મેં તેઓને કહ્યું કે, ’ આ બધાને કંઈક ફરમાવો.’ તેઓએ ટૂંકમાં પ.કૃ.દેવની શ્રદ્ધા દ્રઢ થાય, વિષય-કષાય ઘટે અને ભક્તિ વધે તે કહી, લગભગ ૩૦ મિનીટમાં બધું સમેટી લીધું ! ઘણું કરીને આવે વખતે મારે તેઓની શાતા મુજબ નક્કી કરી, વચ્ચેથી બંધ કરવા કહેવું પડતું, તેને બદલે તેઓ બે હાથ જોડી, મસ્તકે અડાડી, આંખો મીંચી
બોલ્યા : સહજાત્મસ્વરૂપ પરમગુરુ -પરમકૃપાળુ દેવ
પછી બોલ્યા : મોતના મોઢામાં છીએ. અમારો જોગ પૂરો થયો. તમારી
પાસે મૂડી (આયુષ્યની) છે, અમે શોધીએ તો હવે ન જડે. ‘કહેવાનું બધું કહી દીધું, બીજું શું ? ભક્તિ
કરજો.’
(આ રેકોર્ડ પણ કરેલ છે.)
આટલું જલ્દી સમેટી લીધું જેથી અમે વિમાસણમાં પડ્યા કે જાણે હવે ભાષાના પુદ્ગલ, આયુ કર્મ સાથે ખૂટવા આવ્યા જણાય છે. આ અમોએ અંગત રીતે નોંધેલ અને રાત્રે બધા છૂટા પડયા કે તરતજ લંબાણપૂર્વક ચર્ચેલ. (દેહવિલયના સાત મહિના પહેલાની આ વાત છે - ૪ નવેમ્બર, ૨૦૧૪)
દેવલાલીના આ સત્સંગ ભક્તિના કાર્યક્રમ બાદ ફક્ત ત્રણ જ વાર તેઓએ જાહેરમાં સ્વાધ્યાય કરાવેલ.
૯ એપ્રિલ ૨૦૧૫, ચૈત્ર વદ પંચમી, પ.કૃ.દેવનો દેહ વિલય દિન - અમારે ઘેર - ૨૦ મિનીટ.
૧૨ એપ્રિલ, ૨૦૧૫, ઘાટકોપરમાં એક મુમુક્ષુભાઈ જેઓ ઘણા વખતથી મગનબાપાના સત્સંગની ભાવના ભાવતા - તેઓને ત્યાં ૧૫ મિનીટ, અને
૨૬ અપ્રિલ, ૨૦૧૫, વૈશાખ સુદ આઠમ, પ. પૂ. પ્રભુશ્રીનો દેહવિલય દિન, શ્રીમદ્ રાજચંદ્ર મંદિર, ઘાટકોપર- ૪૫ મિનીટ.
આ વખતે તેઓએ પૂછેલ : તેઓએ આપણને બોલાવ્યા છે?
મેં કહ્યું: ત્યાંના વહીવટ કર્તાની વિનંતીનો ફોન આવેલ અને મેં ‘હા’ કહી
દીધી છે.
(જાણે હવે ઉદય પૂરો થયો છે અને ઉદેરીને કંઈ કરવું નથી !)
અગાસ આશ્રમના, છેલ્લા રોકાણની આ વાત છે. (તા. ૧૯-૩-૧૫ થી ૨૭-૩-૨૦૧૫)
રવિવાર તા.૨૨મી માર્ચ ૨૦૧૫ ના દિવસે સાંજના ચોવિહાર કર્યા બાદ અમો ઉતારે પાછા ફરતા હતા ત્યારે મગનકાકા એકાએક બોલ્યા કે, ‘આપણે મેડીએ (જ્યાં પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીની અને પૂ.શ્રી બ્રહ્મચારીજીની બેઠક છે) દર્શન કરી આવીએ.’
બે દાદરા જેટલું ઉપર ચઢવાનું હોવાથી અમોએ (મેં અને આણંદના એક ભાઈએ) બંને બાજુથી ઊંચકી, ઉપર ચડાવ્યા. બધે દર્શન થયા બાદ, રાજમંદિર પાસે જતાં આજ જગ્યાએ, પોતાની ૧૯ વર્ષની ઉંમરે પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીની આજ્ઞાથી, પૂ.બ્રહ્મચારીજી પાસેથી સ્મરણમંત્ર, ભક્તિ, સાત અભક્ષ્ય અને સાત વ્યસનનો ત્યાગ અને તે સાથે રાત્રિભોજન ત્યાગની અને ‘આજીવન બ્રહ્મચર્ય’ વ્રતની આજ્ઞા લીધેલ તે પ્રસંગ તાદ્રશ્ય વર્ણવ્યો. પછી અમે નીચે ઉતરતા હતા ત્યારે તેઓ સંતુષ્ટ ભાવે બોલ્યા,
‘સારું થયું, બધે દર્શન થઇ ગયા, હવે ફરી અવાય કે કેમ ?’
આવા બધા પ્રસંગો અમે નોંધી લેતા હોવાથી, તેઓ આ પ્રમાણે બોલ્યા કે અમારી ભવિષ્યની દહેશત મજબુત થઇ કે હવે સત્સંગના જોગનું અમારું પુણ્ય (તેમના આયુષ્ય સાથે) પૂરું થવા આવ્યું લાગે છે.
વળી દેહવિલયના ૨ મહિના અગાઉ તા.૨૭-૩-૧૫ ને દિવસે, તેમના ભત્રીજા પંદર વર્ષ બાદ તેઓને (કાકાને) લંડનથી મળવા આવેલા હતા. અમારો ઉતારો અગાસ આશ્રમ રૂમ નં -૧ માં હતો. બપોરે ૨.૦૦ વાગે તેઓ આવ્યા. અમુક વાતચીત (પાંચેક મિનીટ) કરી, પૂ. શ્રી મગનબાપા તેમને બે હાથ જોડી કહે છે-
‘ઠીક ત્યારે, હવે તારે લંડન પાછું ફરવું હોય ત્યારે ફરજે - આપણે હવે મળીશું નહીં.’
(આ પ્રમાણે તેમનું બોલવું અમને અસામાન્ય લાગેલ અને તુર્ત જ નોંધી લીધેલ.)
બુધવાર, તારીખ ૧લી એપ્રિલ ૨૦૧૫, રાત્રે સુણાવમાં એક મુમુક્ષુ ભાઈને ઘરે ભક્તિ-સત્સંગનો કાર્યક્રમ હતો એટલે તેઓ સુણાવ રોકાયા હતા. હું રાત્રે મુંબઈથી નીકળી ગુરુવાર, તા.૨જી એપ્રિલ, સવારે ૬ વાગે સીધો સુણાવ મંદિરે પહોચ્યો, જ્યાં સવારની ભક્તિ ચાલતી હતી, જે પૂર્ણ થતા મેં તેઓને મુંબઈ લઇ જવા આવ્યો છું - વગેરે જણાવ્યું.
વર્ષોથી તેઓને લેવા મૂકવા જતો ત્યારે લગભગ હું જ તેઓના ભત્રીજીને અને ભત્રીજા જમાઈને સંદેશો આપવા જતો કે અમો અમુક સ્થળે ભક્તિ અર્થે જઈએ છીએ. (તેઓને કારમાં જ બેસાડી રાખતો).
પણ આ વખતે કંઈ વિપરીત જ બન્યું-જોયું ! અમે સવારે ૭ વાગે સુણાવથી મુંબઈ જવા નીકળ્યા અને તેઓશ્રી તેમની ભત્રીજી અને ભત્રીજા જમાઈ (જે અન્ય સંપ્રદાય મતના છે ) તેઓને બે હાથ જોડી નમસ્કાર કરતા બોલ્યા ‘બસ ત્યારે - જય પ્રભુ’ અને અમો રવાના થયા.
આ પ્રકારનું દ્રશ્ય ૨૦ વર્ષમાં મેં પ્રથમ જ જોયું કે તેઓ બે હાથ જોડી નમસ્કાર કરીને વિદાય લે છે, જે મારા માટે આશ્ચર્ય હતું અને નજીકના ભાવિમાં ‘વિદાયના એંધાણ’ કરાવી ગયું, અને મગજમાં કોતરાઈ ચુક્યું, તે એવું કે સાંજે ૫ વાગે ઘેર પહોંચતા-ચપ્પલ કાઢતાં કાઢતાં જ મેં ઘેર કહ્યું કે…
“મગનબાપા હાથ જોડીને સુણાવથી નીકળ્યા છે. …અને હવે તેઓ પાછા ક્યારેય સુણાવ નહીં જાય!”
આ તો દેહવિલયના ૫૮ દિવસ પહેલાની વાત !
ખોરાક ધીરે ધીરે ઘટતો જતો હતો, ૨-૩ દિવસના આંતરે બપોરે જમીને કહેતા કે હવે સાંજે મારું જમવાનું ન બનાવતા.
…અને છેલ્લા ૧૦ દિવસ દરમ્યાન તો નિયમ પ્રમાણે એકજ વાર ભોજન લેવા ઠેરવ્યું. તેઓ વારંવાર કહેતા
‘કેટલું ખાધું ! કેટલું ખાધું ! હવે તો ધરાય ચૂક્યો છું ખાવાથી.’
વળી કહે-
‘હવે તો ધરાય ગયો છું આયુષ્યથી પણ. ૧૦૦-૧૦૦ વર્ષ ! જાણે યુગ બદલી ગયો !’
વળી કહે-
‘પૈસાથી યે ધરાય ચૂક્યો છું, મારે ક્યાં વાપરવા છે?’
‘..અને જગા ઓહો ! આ ૧૮-૧૮ ઓરડા ને ૪-૪ ખેતર ! ક્યાં બાંધીને સાથે લઇ
જવાનો છું ?
…પણ હાથમાં કે ખીચામાં પડેલ રૂપિયા ફેંકાય તો નહીંને ? એટલે વેંઢારવું પડે - (સંભાળવું)
પડે.’
પછી કહેતા…
‘હું સંપૂર્ણ પરિતૃપ્ત છું, કોઈ મારી પાછળ રાંડનારી નથી, નથી બાળ બચ્ચા, મારા જેવો સુખિયો કોણ હોય દુનિયામાં ?’
પછી પાછા કહે-
‘અમારે તો પરમકૃપાળુની ભક્તિ કરવી છે, અહીંયે એજ કર્યું છે ને પછી પણ તેજ હોજો ! મોક્ષ કોને જોઈએ છે ? અહીં તો ભક્તિ મળી એટલે થયું !’
કહેતા -
“જીવું તો જીનવર જપું, મુંએ મુક્તિ પાઉં;
દોનો હાથમેં લડ્ડુ જો ભાવે સો ખાઉં.”
દેહવિલયના ૪ દિવસ અગાઉ તા.૨૭-૫-૨૦૧૫ સાંજે ૬.૩૦ વાગે એકાએક તેઓના છેલ્લા રૂમમાંથી આગળ હોલમાં મારી નજીક આવી
બોલ્યા : દાકતર ?
હું સફાળો ઊભો થઇ ગયો,
તેઓ કહે : હવે હું જઈશ.
મેં પૂછ્યું: ક્યાં ?
તેઓ બોલ્યા : ઘેર જઈશ, મારે ઘેર જઈશ.
મેં પૂછ્યું: કયું ઘર ?
તેઓ કહે : સુણાવ.
મેં પૂછ્યું: તમારે ત્યાં શું કામ છે ?
તો કહે : કંઈ નહીં.
(કેમકે સુણાવ જવાનો કોઈ કાર્યક્રમ હતો જ નહીં.)
વર્ષો પહેલાની વાત છે, ઈ.સ.૧૯૯૮ના પર્યુષણ બાદ અમે બધા બાંધણીથી સુણાવ-મંદિર ગયેલ ત્યારે તેમનું ઘર જોવાની ઈચ્છા દર્શાવેલ ત્યારે તેઓએ કહેલ-
‘મારું કયું ઘર સાચું ? અનંતકાળથી કેટલા ઘર બદલ્યા ?’
જ્યારે પણ એઓને કોઈ આશ્રમ કે મુંબઈથી ઘેર જવું હોય ત્યારે તેઓ એમ કહેતા કે - ‘આપણે ક્યારે નીકળવા ધાર્યું છે ? કે ઘર છોડ્યા કેટલા દિવસ થયા ? કે ટીકીટનું કેમ કરીશું’ અને આ વખતે - ‘હું મારે ઘેર જઈશ’ એમ બોલ્યા એટલે અમને મનમાં એમ થયું પોતાને મૂળ ઘેર જવાની વાત છે. તેઓ અવારનવાર કહેતા - ’ હવે હું કેટલા દહાડા જીવવાનો ?’
ભક્તિ-સત્સંગ અર્થે અલગ અલગ સ્થળે લઇ જતા ત્યારે તેઓ કહેતા કે, ‘આ ખર્યું પાન, રસ્તામાં મર્યો તો તમારે માથે પડીશ.’ વળી અમુક દિવસે ફલાણી જગ્યાએ ભક્તિ છે એમ જણાવીએ ત્યારે કહેતા કે, ‘જીવતા હશું તો જવાશે, મડદું થોડું તમે ત્યાં લઇ જશો ?’
બાંધણી આશ્રમની વ્યવસ્થામાં ફેરફર થતાં બીજે સ્થળાંતર થયું ત્યારે પણ તેઓ કહેતા કે, ‘હવે અમો કેટલા દહાડા જીવવાના?’ વળી, તેઓ કહેતા તેઓને ‘વ્યાખ્યાન નથી આપવા, માત્ર પરમકૃપાળુદેવની ભક્તિ જ કરવી છે, ગુણગ્રામ ગાવા છે.’ અમો અગાસ-આણંદ, વડવા, મુંબઈ, દેવલાલી, ઇડર વારંવાર આવતા-જતા અને ૯૮ વર્ષની ઉંમરે પાલીતાણા, હમ્પી, બેંગ્લોર અને હુબલી સુધી સત્સંગ ભક્તિ અર્થે ગયા ત્યારે તેઓ ઘણી વાર કહેતા કે - ‘આ દાકતર મડદું ફેરવ ફેરવ કરે છે’
આ પ્રમાણે મગનકાકા લગભગ રોજ મરવાની, મોતની જ વાતો કરતા કે જે વાતમાત્રથી ઘણા ખરા ભય પામતા હોય છે. અરે ! આ તો વાત છેલ્લા ૧૫-૨૦ વર્ષો દરમ્યાનની પણ….
વર્ષો અગાઉ, માત્ર ૩૫ વર્ષની ઉંમરે બંદુકની ગોળી છાતીમાં વાગી આરપાર નીકળેલ ત્યારે લોહીનો ફૂવારો ઉડેલ અને તે વખતે તેઓ ભાવના ભાવતા (જે અમોએ તેઓના મુખથી ૨૦ વર્ષમાં, પચીસેક કરતા વધુ વખત સાંભળેલ છે)
“હે પરમકૃપાળુદેવ ! તમોએ જ કહ્યું છે - ‘જાશું સ્વરૂપ સ્વદેશ રે…’ તો થોભજો, હું આવું છું, આપણે મોક્ષનો સંગાથ કરીશું.”
જાણે મરવાની પૂરી તૈયારી છે જ - આટલા વર્ષો અગાઉથી ! એ પણ તદ્દન સહજતા સાથે.
આપણે તો ઘર બદલીએ તો ૬-૧૨ મહિના ઊંઘ ન આવે અને મંદિરમાં બેસવા કરવાની જગા બદલીએ તો પ્રાર્થનામાં ધ્યાન-ચિત્ત ન રહે. અને આ તો દેહ-દેવળ બદલવાની વાત છે !
પરમકૃપાળુદેવે લખેલ છે -
‘જીવતા મરાય તો ફરી મરવું ન પડે
એવું મરણ ઇચ્છવા યોગ્ય છે.’
(વ.મૃ.- ૨૧, બોલ- ૮૧)
વળી અન્ય સ્થળે લખેલ છે -
‘વિચારવાન પુરુષો તો કૈવલ્યદશા થતાં સુધી મૃત્યુને નિત્ય સમીપ જ સમજીને પ્રવર્તે છે.’
(વ.મૃ.-૭૦૨)
છેલ્લે દિવસે, જેઠ સુદ-૧૨, સં-૨૦૭૧, શનિવાર, તારીખ ૩૦-૫-૨૦૧૫, (જન્મ - જેઠ સુદ-૫, સં-૧૯૭૧) અર્ધો કપ દૂધ સવારે અને બપોરે ૧૨ વાગે એક કપ સાકર-મીઠાનું પાણી વાપરેલ.
સાંજે ૪ વાગે ઘૂંટડો પાણી લીધું જે છેલ્લું હતું અને પછી તેઓએ સૂચન કરેલ કે મને વેળા (સૂર્યાસ્ત) પછી કશું ન આપતા. મેં ફક્ત “હા" એમ કહ્યું. (અમે ક્યારેય, આમ પણ તેમને રાત્રે ખાતાં જોયા નહોતા, કે ન તો અમે ક્યારેય ૨૦ વર્ષોમાં તેઓને રાત્રે ખાવાનું આપ્યું હતું.)
આ પછી તેઓ બેઠાં બેઠાં જ (તકિયાને ટેકે) મનમાં જ મંત્ર-સ્મરણ કરતા હતા અને અમો પણ તેમની સામે મનમાં જ જાપ કરતા બેઠાં હતા.
આ અગાઉ, સવારે ૮ વાગે, જો દેહ છૂટે અને સુણાવ, લંડન કે અન્ય કોઈ જગ્યાએથી સલાહ-સૂચન આવે તો અંતિમ વિધિ, ક્રિયા કઈ રીતે કરવી તેની ‘નિયમાવલી’ મેં બનાવેલ. (ખાસ તો અમારા માટે - કે જેથી અત્યાર સુધીના ૨૦ વર્ષના ગાળામાં તેઓએ જે કંઈ કહ્યું હોય - કહ્યું હતું તેની વિરુદ્ધ કંઈ ન બનવા પામે અને પરમાર્થને આંચ ન આવે). જે આ સાથે છેલ્લે આપેલ છે.
વળી, બપોરે ૩ વાગ્યે એકાએક તડકામાંથી વાદળીયું વાતાવરણ થઇ જતાં મેં ઘરમાં વાત કરી કે જ્યારે આવું વાદળીયું વાતાવરણ તડકાના સમયે થાય તો કોઈ મહા પુરુષ, નેતા, રાજાનો દેહ છૂટે એવું મેં અમુક શાસ્ત્રોમાં ઘણાં વર્ષો અગાઉ વાંચેલ છે.
આ વખતે બારીનો પડદો ખસેડી હું મગનકાકા પાસે ગયો તો તે કંઈ ધીરેથી સૂતાં-સૂતાં ગાતા હતા. મેં પૂછ્યું તો તેઓ બોલ્યા કે “હું આત્મસિદ્ધિ કરું છું.” પછી જે આત્મસિદ્ધિનો અમારો ક્રમ રાત્રે ૭ થી ૮ નો હતો તે જાણે હમણા જ પૂરો કરવાનો છે એમ મનમાં જ સમજી અમોએ આત્મસિદ્ધિ પૂર્ણ કરી અને તેઓ બેઠા થઇ ગયા.
હું આગલા હોલમાં જઈ પાછો આવતા તેઓ બેઠા બેઠા કંઈ બોલતા જણાયાં. મેં પૂછ્યું તો કહે કે હું ‘સહજાત્મસ્વરૂપ’ મંત્રનો જાપ કરું છું અને તેથી અમો પણ તેમની સામે બેસી ઊંચા અવાજે માળા પૂર્ણ કરી, રાત્રીનો ભક્તિનો ક્રમ પૂરો કર્યો. આ વખતે બપોરના ૩.૪૫ નો સમય હતો. અમોએ માળા પતાવી, સમય પારખી, બેબીને કોલેજમાંથી છેલ્લા દર્શન કરવા બોલાવી લીધી અને સૂચના આપી કે સામે હાથ જોડી બેસવું પણ કંઈ બોલવું નહીં જ, ‘જય પ્રભુ’ પણ ન કહેવું ! કેમકે અમારે તેઓના ઉપયોગમાં ખલેલ ન જ પડે એ જ લક્ષ રાખવાનો હતો.
પૂ.શ્રી સોભાગ્યભાઈના દેહત્યાગ વખતે (જેઠ વદ-૧૦, ગુરુવારે સંવત-૧૯૫૩) જ્યારે અંબાલાલભાઈ સ્મરણનો લક્ષ અપાવવા જાય છે ત્યારે તેઓએ કહેલ કે ‘મને એક જ લક્ષ છે બીજો નથી, પણ હવે તમે મને કંઈ કહેશો નહીં કારણ કે મારા ઉપયોગથી ચૂકાઈ તમે બોલો તેમાં મારે જવાબ આપવામાં લક્ષ આપવો પડે છે તેથી મને ખેદ રહે છે.’ જેથી કંઈ પણ એમની સમીપમાં કહેવું બંધ રાખેલ અને આ આખો વૃતાંત પૂ.શ્રી અંબાલાલભાઈએ પ.કૃ.દેવને બે પત્રોમાં લખી જણાવેલ. (રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ - સત્સંગ સંજીવની- દ્વિતિય આવૃત્તિ - પાના નં- ૪૮ અને ૫૦). અમે પણ આ બાબત સાવચેતીપૂર્વક લક્ષમાં રાખેલ અને તે મુજબ વર્તેલ.
…અન્ય કોઈ મુમુક્ષુઓને, ભલે ભાવના સારી હોય, પણ આવુ બધું શીખવવાનો-સમજાવવાનો આ અવસર નહીં જણાતાં, ફક્ત ટોળું ભેગું કરી અસમાધિની ઉપાધી ન નોતરવાનું, બહુ બહુ વિચારીને, નક્કી કરેલ કે જેથી આશાતનાથી બચી શકાય અને સ્વ-પર કલ્યાણ ન જ ચૂકાય.
આ પ્રમાણેની ચર્યામાં હું તેમની સમીપ જ બેઠો હતો. તેમની સામે તદ્દન મૌનપણે અને પ્રકૃતિના નિયમ અને કુદરત સામે અબળા અને લાચાર બની મનમાં ’સહજાત્મસ્વરૂપ પરમગુરુ’નો મંત્ર કરતો હતો, તેઓને પણ બેઠાં બેઠાં આંગળીના ટેરવે મંત્ર સ્મરણ ચાલુ જ હતો.
ત્યાં તો તેઓની આંખો-અર્ધી ખૂલ્લી પણ તદ્દન સ્થિર થઈ ગયેલ હોવાથી - હૃદય બંધ થઇ ચૂક્યું છે અને આત્મા અને દેહ વિખૂટાં પડ્યા જાણી ઊંચા અવાજે ’સહજાત્મસ્વરૂપ પરમગુરુ’નો જાપ - (જે મનમાં જ મૌનપણે અમારે બંનેને - પૂ. મગનબાપા અને મારે ચાલુ હતો તે) થોડીવાર બોલવાનું ચાલુ રાખ્યું અને તેમની પાટે ચડી, બંને ખંભેથી ઊંચકી ચત્તા-સપાટ સુવડાવી દીધા.
અને આ પ્રમાણે સાંજે ૬.૨૫ વાગે, તેઓનો પવિત્ર આત્મા અમારી આંખો સામે રહેલ દેહથી છૂટો પડ્યો. હવે માત્ર અમો એકલાં-એકલાં જ થોડીવાર બે હાથ જોડી જાપ કરતાં રહ્યા.
સૂચના
(તા. ૩૦-૫-૧૫, સવારે આઠ વાગે)
(વર્ષોથી અવાર-નવાર પૂ. મગનબાપા પાસેથી સાંભળેલ તે યાદ કરીને તેઓની હયાતી દરમ્યાન મેં લીસ્ટ બનાવ્યું તે)
શક્ય હોય તો નજીકના સગાંઓથી મરણ વખતે દૂર રહેવું. અંતિમ વખતે સગાવ્હાલાં સાથે વ્યવહારની વાતોથી દૂર રહેવાય તો સારું.
નજીકના સગાંઓની હાજરી હોય તો તેઓએ પણ લૌકિક વાતો ન કરવી અને શાંતિ રહેવા દેવી.
પ.કૃ.દેવે પણ ઘરથી દૂર રહી, મા-બાપ અને પત્નીને પણ દૂર રહેવા ક્હેલ.
પોતાને ઘેર ન મરવું સારું.
હોસ્પિટલમાં ન મરવું સારું. (એકાંતે નથી)
સત્પુરુષ/સાધુ દવાખાનામાં મરે નહીં (એકાંતે નથી)
પરમકૃપાળુદેવને શરણે ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ’ મંત્રજાપ ચાલુ રાખવો.
કોઈ પીડા કે દુઃખ સંભારવા નહીં અને તેની વાતો પણ છેલ્લે વખતે ન કરવી.
પૈસા, જગા, જાગીર, બેંક, રસીદ, સોનું ઘરેણા-દાગીનાની વાતો છેલ્લે વખતે ન જ કરવી.
કાંઈ ખાવા-પીવાની, કે બીજી ઈચ્છા ન કરવી.
ગતિ વગેરેની વાતો કરવી નહીં. દેવલોકની પણ આશા ન રાખવી, ઈચ્છા માત્ર ત્યાગવી.
ભાવના એમ રાખવી કે જ્યાં સત્સંગ મળે, સત્પુરુષ મળે ત્યાં જન્મવું છે-ભક્તિ કરવી છે.
કોઈ લૌકિકવિધિ - ક્રિયા, રોકકળ વગેરે ન કરવું. કોઈની વાટ ન જોવી.
મડદું કોઈ માટે રાખવું નહીં.
મડદું પડ્યું રહે- જિવાત પડે, એવું ન કરવું. (કોલ્ડ સ્ટોરેજમાં ભલે સ્થૂળ સડો કે જીવાંત ન જણાય પણ સદોષ, સાવદ્ય-પાપ ક્રિયા તો છે જ, સાથે મોહનું પ્રાબલ્ય પણ.)