RajBhakti Books
એકલો જાને રે - પૂજ્ય શ્રી મગનબાપા | Eklo Jane Re - Pujya Shri Maganbapa

ભક્તિની ધગશ અને જૂસ્સો …!!!

હેમરેજ થઇ ફાટે એવા માથાના દુઃખાવા સાથે, તે તરફ ધ્યાન ન ખેંચાય માટે ઊંચા અવાજે ભક્તિ કરવી, દેવવંદનના ૩ નમસ્કાર માંડ માંડ થઇ શકે તેવી ગોઠણના દુઃખાવાની વેદના, છતાં હાંફતા-હાંફતા ૧૨-૧૫ પગથિયા ચડી, નિત્યક્રમ ચાલુ રાખી તે પૂર્ણ કરવો અને આવી તકલીફને બીજે દિવસે, ઈડરના ઘંટિયા પહાડની તીર્થયાત્રા, માનસિક સ્વસ્થતા સાથે પગે ચાલીને ડુંગર ચડીને કરવી તે આત્મબળ વિના અસંભવિત છે.

લાંબા સમયની ખાંસી, તેને લઈને અપૂરતી ઊંઘ, ઓછો ખોરાક, વધતી જતી નબળાઈ સાથે ૯૧ વર્ષની ઉંમરે, આસો વદ એકમના ૧૫૦ નમસ્કાર ભક્તિ અને ઉલ્લાસ સાથે કરેલા અમે જોયા છે. ચારસો - પાંચસો કી.મી.ના પ્રવાસને લઇ પગની નસો ખેંચાય કે ગોઠલા ચડે, આવી ફરિયાદને મચક નહીં આપવી અને ‘એ તો જવા માટે આવે છે - જતાં રહેશે એની મેળે !’ આવો સાક્ષીભાવ અમે ઘણીયે વાર નીતરતો જોયો છે.

ગોઠણની ઢાંકણી ભાંગી જતા, ઢસડાતા પગે ખેતરથી - સુણાવ ઘેર, ત્યાંથી પેટલાદ, આણંદ-વલસાડ પહોંચી ત્યાંથી નાસિક અને ત્યાં કોમી રમખાણ ફાટી નીકળતાં અધવચ્ચે વાહન-વ્યવહાર બંધ થતા બસમાંથી ઊતરી ઢસડાતા-ઢસડાતા પગે પણ સ્થિર ચિત્તે દેવલાલી આશ્રમ પહોચવું અને ત્યારબાદ છ-છ મહિના સુધી તે તૂટેલ ઢાંકણીની પીડા ભોગવવી તે ભક્તિના બળ સિવાય સહન કેમ થઇ શકે ?

પાંત્રીસ વર્ષની ઉંમરે અકસ્માત જ બંદૂકની ગોળી છાતીમાં વાગી, ફેફસું ફોડી, છાતીની આરપાર થઇ, વાંસેથી નીકળી પાછળ આવેલ પટારો જેના લાકડાને ચીરી નાખેલ જેની ‘નિશાની’ છાતીમાં આગળ, વાંસામાં પાછળ અને પટારાનાં દરવાજામાં અમોએ નજરે જોઈ છે. લગભગ ૧૭ દિવસ, વીજળી વગરની ગામડાંની દેશી ઈસ્પિતાલમાં ઈલાજ દરમ્યાન પણ તેઓની ભક્તિ અવિરત ચાલતી અને ત્યાં અન્ય દર્દીઓ અને તેમના મુલાકાતીઓનું ટોળું જામતું. આવે વખતે પણ તેઓ ભાવના ભાવતા કે…
“હે પ.કૃ.દેવ ! તમોએ કહયું છે કે ‘…જાશું સ્વરૂપ સ્વદેશ રે’ તે પ્રમાણે તમે થોભજો હું પણ આવું છું; આપણે મોક્ષનો સંગાથ કરીશું !”

એક બાજુ છાતીમાંથી લોહીનો ફૂવારો અને બીજી બાજુ મરણ પથારીએથી આવા ભક્તિના ભાવ !!!
‘નહિ તૃષ્ણા જીવ્યાં તણી, મરણયોગ નહીં ક્ષોભ;
મહાપાત્ર તે માર્ગનાં, પરમ યોગ જીતલોભ.’

આ દશા પામવાનો પુરુષાર્થ કેવો આશ્ચર્યકારક કે આ ભવની અપેક્ષાએ તો પ.કૃ.દેવના પ્રત્યક્ષ સમાગમ વગર આવી શ્રદ્ધા જન્મી? એ તો ‘ચરમ નયણે જોવાની વાત’ અને અહીં તો ‘…નયણ તે દિવ્ય વિચાર’ તે પ્રમાણે કંઇક સમજાય તેવું છે. પૂ. શ્રી મગનકાકાએ પ.કૃ.દેવના તે ઊભાં ચિત્રપટના ભાવને પ્રત્યક્ષ કર્યા હતા! આવી આવી ‘ઘોર તપશ્ચર્યા પણ મનને તાપ નહિ…’ અરે! મનને તાપ તો નહીં પણ ભક્તિ અને સત્સંગનો ઉલ્લાસ ભાવ! આવી ભક્તિ જન્મે ક્યાંથી ? પ.કૃ.દેવ અને તેઓએ પ્રરૂપેલ આત્માના છ પદની શ્રધ્ધાથી. - અને શરીરનું શું ?
‘શરીર સોંપ પ્રારબ્ધ કું, જ્યૂં લોહા કૂટે લુહાર…
તું કર બ્રહ્મ વિચાર !’

અને જોઈએ છે શું ? મોક્ષ પણ નહિ અને કેવળજ્ઞાન પણ નહીં! જોઈએ માત્ર પ.કૃ.દેવની ભક્તિ અને શરણું! (વ્રજ વ્હાલું રે, વૈકુંઠ નથી જાવું, ત્યાં કાન કુંવર ક્યાંથી લાવું ?)

પ.કૃ.દેવે પૂ.શ્રી જૂઠાભાઇ વિષે કહેલ ‘એનું લૌકિક નામ જ દેહધારી દાખલ સત્ય હતું- એ આત્મદશારૂપે ખરો વૈરાગ્ય હતો - ’સત્ય પરાયણ!’ શ્રી મગનકાકાનું લૌકિક નામ પણ દેહધારી દાખલ સત્ય જ. જિન રાજ ભક્તિમાં મગન - ‘જિન થઇ જે જિનવરને આરાધે…’ આ બાબત ઘાટકોપરનો સંઘ યાત્રાએ ગયેલ ત્યારે પ્રખર દીગંબર આચાર્ય શ્રી વિદ્યાસાગર મહારાજે મધ્ય પ્રદેશના ‘પિસનહારી મઢીયા આશ્રમમાં’ જાહેરમાં પ્રકાશેલ -
‘યે મગન તો મગન હી હૈ’

તે શામાં મગન ? પરમકૃપાળુદેવમાં જ
‘રાજ મગન!!!’

લાંબા ૪૦૦-૫૦૦ કિ.મી. ના પ્રવાસ બાદ કે દુઃખતા ગોઠણ સાથે ઈડરના ઘંટિયા પહાડની યાત્રા વખતે, શારીરિક અસ્વસ્થતા સાથે આત્મસિદ્ધિના ૧૫૦ નમસ્કાર બાદ કે સમાધિમરણની ૩૬ માળા કર્યાં બાદ, કે દોઢ કલાક ઊંચા અવાજે સ્વાધ્યાય કર્યાં બાદ કે પછી ઉપવાસ સાથે બૃહદ આલોચના કે સંવત્સરી પ્રતિક્રમણ કરી આવ્યા હોય, એક તપ પૂરું થતા પાછું વળી વાંચવું-વિચારવું શરૂ જ, પછી ભલેને વૈશાખનો તડકો, ગરમી કે લૂ હો કે પછી શિયાળાની વહેલી સવારના ૪ વાગ્યાનો સમય હો - નિત્યક્રમ માત્ર એક જ - ભક્તિનો. માત્ર - ‘કામ એક આત્માર્થનું બીજો નહીં મનરોગ’

આ તો વાત થઇ મગનકાકા જાગતા હોય ત્યારની. પણ તેમનો દેહ જ્યારે સૂતો હોય ત્યારે એક અનોખો નિત્યક્રમ ચાલુ ! તે કેવો?! ચિત્ત ચિંતવે અને નીકળી પડે જાત્રાએ. વવાણિયા જન્મભૂમિથી શરુ કરી, તળાવડીઓ ફરી, બાવળના ઝાડે ચડી, જાતિસ્મરણ જ્ઞાન ઉપજ્યું તે વાગોળી પછી અગાસ, કાવિઠા, ખંભાત-વડવા, ભાદરણ, ધામણ, અમદાવાદ-પંચભાઈની પોળ અને નગરશેઠને વંડે આંટો મારી સુરત જીલ્લાના ગામડાઓ ફરી છેક ધરમપુરના જંગલો અને પાલીતાણા અને હમ્પી સૂધી દર્શન કરી ફરી આવે. વળી ઊંઘમાં પણ આત્મસિદ્ધિની ગાથા ચાલૂ હોય અને જો શરીર જાગે તો બાકીની ૨૦-૩૦ અધૂરી રહેલ ગાથા પૂરી કરી ‘આત્મસિદ્ધિ’ પૂરી થાય.
ઊંઘમાં સ્મરણમંત્રનો જાપ

ઊંઘમાં સ્મરણમંત્રનો જાપ

….અને એમ નહીં તો પૂ. શ્રી બ્રહ્મચારીજીએ બોધેલ તે પ્રમાણે જીભને ટેરવે રેણ-વેલ્ડીંગ કરેલ ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ મંત્ર’ - ઊંઘમાં પણ તેનું રટણ ચાલુ અને કાં તો આંગળીને વેઢે ગણવાનું ચાલુ જે અમોએ વારંવાર જોયું છે અને તેનું વિડીઓ રેકોર્ડીંગ પણ કરેલ છે.

તેઓનો જીવનમંત્ર હતો-
’ પા-ઉ-પ-જ ’

…જે શ્રદ્ધા વગર, માત્ર આચરવાથી પણ ફળે, જ્યારે બીજા મંત્રોમાં પ્રથમ શ્રદ્ધા જરૂરી છે.
પા - ઓછા પાપે જીવવું,
ઉ - ઉપાધી ઓછી કરવી,
પ - પર આશ્રય ઓછો કરવો અને
જ - જરૂરિયાત ઓછી કરવી.

છેક ૧૦૦ વર્ષની ઉંમરે પણ તેઓ એકલા જ રહેતા - એકલા રહેવું પસંદ કરતા - અમુક વખત એકલા રહેવા હઠ પકડતા. ‘દીનતા ન કરવી’ તે પૂ. બ્રહ્મચારીજીની શિક્ષા તેઓએ શિર્ષાસાવંદ્ય ગણી આચરેલ !

પૂ. મગનકાકા એકસો પંદરથી વધારે વ્યક્તિઓને કે જેઓ પ.કૃ.દેવને રૂબરૂમાં મળ્યા હોય તેઓને મળ્યા હતા. જેમાં ૭ માંથી ૪ મુનિઓ - પૂ. પ્રભુશ્રીજી, શ્રી મોહનલાલજી મહારાજ, શ્રી ચતુરલાલજી મહારાજ અને શ્રી લક્ષ્મીદાસજી મહારાજ. અન્યમાં પંડિત લાલન, ખંભાતના શ્રી ત્રિભોવનભાઈ માણેકચંદભાઈ, ભાઈશ્રી- શ્રી પોપટલાલભાઈ મહોકમચંદ, શ્રી ઝવેરશેઠ, પૂ.જુઠાભાઇના મોટાભાઈ શ્રી જેસિંગભાઈ શેઠ તેમજ શ્રી સોમચંદભાઈ મહાસુખભાઈ, શ્રી નગીનભાઈ, શ્રી શિવજી દેવજી મઢડાવાળા અને ગાંધીજીનો સમાવેશ થાય છે. તેઓ ઘણીયે વાર કહેતા કે પ.કૃ.દેવ કરતા મોટી ઉંમરવાળા પંડિત લાલન અને ચૌદ વર્ષે મોટા પૂ. પ્રભુશ્રીજીના દર્શન થયા તો પ.કૃ.દેવના કેમ ન થાય? એ તો આપણાં ભાગ્ય ટૂંકા પડ્યા કે પ.કૃ.દેવનું આયુષ્ય ઓછું. આપણે થોડા વહેલા જનમ્યા હોત તો જરૂર પ.કૃ.દેવના સદેહે-દર્શન પણ કરત.

આ સાંભળી અમો એમ કહેતા કે- ‘અમારા ભાગ્ય કે તમો વહેલા ન જનમ્યા, નહીં તો પૂ. પ્રભુશ્રીજી અને પૂ.બ્રહ્મચારીજીની ગેરહાજરીમાં અમને પ.કૃ.દેવ કોણ ઓળખાવત? અને અમો કોની ભક્તિનો દાખલો લે’ત?’

પ.કૃ.દેવની ભક્તિ જગાવવામાં પૂ. શ્રી મગનકાકા સેંકડો મુમુક્ષુઓને પ્રત્યક્ષ નિમિત્ત બન્યા હતા.
‘જયકાર શ્રી ગુરુદેવનો જન જગતમાંહીં ગજાવજો,
શુભ ભક્તના જે ધર્મ, તે અતિ પ્રેમ સાથ બજાવજો.’

છેલ્લે એક મોટી વાત, તેઓ
‘ગુરુ થવામાં માલ નથી’
એમ કહેતા. ગુરુ એટલે મોટો-ભારે-જલ્દી ડૂબે ! તેઓ એક શિસ્તપ્રેમી, ધગશવાળા નિષ્કામ ભક્ત થવાનું પસંદ કરતા અને કોઈ નમસ્કાર કરે તો તે પોતાને ભીલ, વાઘરી, પામર ગણી, ન લૂંટવા વિનંતી કરતા અને નમસ્કાર માત્ર પરમાત્મા શ્રીમદ્‌ રાજચંદ્ર ભગવાનને કરવા કહેતા.

‘સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.’