પૂ. શ્રી મગનબાપાના જીવનના રોચક પ્રસંગો
પૂ. શ્રી મગનબાપા ૮ વર્ષની ઉંમરે પૂ. પ્રભુશ્રીજીના દર્શને- સુણાવ ગામની ભાગોળે
પૂ.પ્રભુશ્રીજી સુણાવ પધારેલા. મારી ૮ વર્ષની ઉંમર હતી. મારા કાકા સાથે હું પણ દર્શન અર્થે ગયેલો. મને એમ કે ભક્તિ એટલે મંજીરા, તંબુરા અને ઢોલકા હશે પણ અહીં તો બધા ગંભીરતાથી ભક્તિ કરતા હતા. (૨૦ દોહા, યમનિયમ, આત્મસિદ્ધિ વગેરે…)
અમારી શાળાના વર્ગ શિક્ષક પગપાળા પ્રવાસે વડવા લઇ ગયેલ તે વખતે મોટા દરવાજે પ.કૃ.દેવના ઉભા ખડ્ગાસનવાળા ચિત્રપટે મને પકડ્યો ! હું તો નજરાઈ જ ગયો તે એવો કે છ છ મહિના સુધી મને તે સ્વપ્નમાં આવ્યા
પૂ. શ્રી મગનબાપા ૧૩ વર્ષની ઉંમરે શાળાના પગપાળા પ્રવાસે વડવા આશ્રમની મુલાકાતે
પ્રશ્ન: પચાસ-સાંઠ વિદ્યાર્થીઓ સાથે હતા, તમોને એકલાને જ એ ચિત્રપટથી આમ કેમ થાય? કંઈ પૂર્વ જન્મ નું હોવું જોઈએ ને ?
ઉત્તર: કંઇ પૂર્વભવનું હશે જ ને.ઓગણીશમેં વર્ષે, મારા વરિષ્ઠ માસ્તર મનહરભાઈ અને નારણ લક્ષ્મીદાસ સાથે હું અગાસ મંત્ર લેવા ગયો. મેં અમારા કૂળના રીવાજ મુજબ રૂપિયાનો સિક્કો પૂ.પ્રભુશ્રીજીના પગ આગળ મૂક્યો અને પછી…
મેં કહ્યું: બાપા મને મંત્ર આપો.
(પ્રભુશ્રીજી - જે ચરોતરમાં ‘બાપા’ તરીકે ઓળખાતા અને આશ્રમ પણ ‘બાપાનો આશ્રમ’!) પ્રભુશ્રીજી ઓછું સાંભળતા, બ્રહ્મચારીજી જે બાજુએ જ ઉભેલા,
તેમને પૂછે છે : આ છોકરો શું કહે છે ?
બ્રહ્મચારીજી : મંત્ર માંગે છે.
પ્રભુશ્રીજી : આ છોકરાને રાજમંદિરમાં જઈ, સમજાવી મંત્ર આપી દે.
અમો ગયા. બ્રહ્મચારીજીએ - તત્ત્વજ્ઞાનને છેલ્લે પાને પાના નંબર નોંધી (૨૦ દોહા, યમનિયમ, ક્ષમાપનાના) સહજાત્મસ્વરૂપ પરમગુરૂ મંત્ર ,સાથે સાથે સાત અભક્ષ્ય ત્યાગ, સાત વ્યસન ત્યાગ અને રાત્રિ-ભોજન ત્યાગની આજ્ઞા આપી.
મેં કહ્યું: મને બ્રહ્મચર્યની આજ્ઞા આપો.
બ્રહ્મચારીજી નકારતાં : માબાપને પૂછીને આવો, તે માટે તૈયાર થઇ આવો, ત્યારબાદ…
મેં કહ્યું: હું તૈયાર જ છું.
ખૂલાસા માટે પ્રભુશ્રીજી પાસે પાછા ગયા. પ્રભુશ્રીજી પાસે વાત કહી સંભળાવી.
આત્મજ્ઞાની-ઓલિયા સંતે સામું જોયું અને બોલ્યા : એને બ્રહ્મચર્યની આજ્ઞા આપી દે
(સ્મિત સાથે - ‘આ મુજબ મેં વ્રત ખેંચીને લઈ લીધું !’)
પૂ. શ્રી મગનબાપા ૧૯ વર્ષની ઉંમરે પૂ.પ્રભુશ્રીજી પાસે મંત્ર લેવા શ્રી અગાસ આશ્રમની મુલાકાતે
પ્રશ્ન: આ ઉંમરે ન પરણવાનું કારણ ? એ વિચાર જ શાથી ઉગ્યો ?
જવાબ: ખીચડી કરતા આવડી ગઈ હતી અને નિશાળનો રૂ.૧૦/- નો પગાર ચાલુ થયો હતો, તો હવે ઘર માંડવાનું કારણ શું?
(બહુ પુણ્ય કેરા પુંજથી મળેલ માનવ દેહ એળે શા માટે ગુમાવવો ?)
આગળ વધુ ખુલાસો માર્મિક રીતે થયેલ તે નીચે મુજબ છે.એક વાર પૂ.બ્રહ્મચારીજી તીર્થયાત્રાએ નીકળવાના હતા તે પછી ‘ક્યારે દર્શન થશે ?’ એ વિચારે નિશાળ છૂટી કે દોડતાં દોડતાં પગપાળે અગાસ પહોંચ્યો.
બ્રહ્મચારીજીએ મારી સામું જોયું અને જાણી ગયા -
પૂછ્યું : ભૂખ્યો આવ્યો છે ?
સાધક-સમાધિ ખાતે (બ્રહ્મચારી ભાઈ-બહેન માટેનું રસોડું) રસોઈ કરનાર
રણછોડને કહે : ખીચડી છે ? હોય તો આપ, આ ભૂખ્યો આવ્યો છે. ખીચડી ખાધી. હવે સાધક - સમાધિ ખાતે ખીચડી ખાધી, તેને હાથ સોંપી દીધો, હવે બીજે ક્યાંય અપાય ? (બીજે પરણાય ? …ઓર ન ચાહું રે કંત !)
પછી તો મગનબાપાના સંગે એ કાળમાં, એટલા નાના એવા ગામ સુણાવમાં ૧૩ -૧૩ વ્યક્તિઓએ આજીવન બ્રહ્મચર્ય વ્રત સ્વીકારેલ ! વળી તેઓ ક્યારેક ભૂતકાળ વાગોળતા કહેતા કે અમુક ઘરડી ઉંમરના લોકો કરડી નજરે મારી સામું જોતા અને તેઓના સંતાનોને કહેતા - ‘આ મગનાનો સંગ કરવો નહીં, જે કોઈ એનો સંગ કરશે તે વાંઢો - કુંવારો રહી જશે !’મેં પૂછ્યું: દોડતાં-દોડતાં આશ્રમે ગયા તે ગાડામાં ગયા હો તો ?
જવાબ: ગાડું તો લગ્ન હોય ત્યારે વરરાજાને બેસવા મળે, બાકી બીજા બધાંને પગપાળે જ હેડવાનું ! (ચાલવાનું હોય)મેં પૂછ્યું: તમોએ દેવ-દેવીઓને માનવાનું ક્યારે છોડ્યું ?
જવાબ: વડવા આશ્રમને મોટા દરવાજે પરમકૃપાળુદેવના ઉભા ચિત્રપટના દર્શન થયા ત્યારથી જ દેવ-દેવીની માન્યતા સદંતર મૂકી દીધી.
(મેં તુજ કારણ સ્વામી, સૂર ઉવેખ્યા ઘણાં !) (દ્વેષભાવ નહીં, મારે તેઓ પાસેથી કંઈ ભૌતિક જોઈતું નથી એ ભાવે)મેં પૂછ્યું: આટલી નાની ઉંમરે આ બધું વિચારમાં - અમલમાં કેમ આવે ?
જવાબ: પછી બ્રહ્મચારીજીએ ‘ઈશ્વરનો ઇનકાર’ અને ‘મોક્ષમાર્ગ પ્રકાશક’ આ બે પુસ્તક વાંચવા આપ્યા, તેમાં મિથ્યા માન્યતાનો સમૂળગો રેચ (જૂલાબ) લાગી ગયો.પછી તો માસ્તર તરીકે છોકરાઓ પાસે ઝાડ પર વ્હેમ અને મિથ્યા માન્યતાને આધારે લટકાવેલ ધજાઓ મંગાવી શાળામાં બોર્ડ સાફ કરવા ડસ્ટર તરીકે વાપરતો - મિથ્યા માન્યતા-અંધશ્રદ્ધા કઢાવવા. (કોઈ દ્વેષ ભાવે નહીં, ભૌતિકની લાલચ છોડાવવા)
હું તો અમાસની રાત્રે ૧ વાગે પાળજ સ્મશાનમાં જઈ પડકાર કરતો કે, ’ કોઈ દેવ-ભૂત-પ્રેત-ડાકણ હોય તો આવો, હું તમારો પ્રચાર કરીશ.’ પણ હોય તો આવે ને !
એક વખત - એક પ્રખ્યાત તીર્થે - ટોપી ઉતારી, માથું ખુલ્લું કરી- ‘સત્ત હો તો આ માથું ઉડાવ’ આ પડકાર કરેલ કોઈ યક્ષ સમક્ષ. ‘અહીં મારા વીતરાગ દેવની આશાતના કરવા, તેનું માહાત્મ્ય ઓછું કરવા કાં બેઠાં ?’
દ્વેષ ભાવે નહીં પણ વીતરાગ સિવાય આ માંથું બીજે નમે નહીં.મેં પૂછ્યું: બ્રહ્મચારીજી સાથે નિયમિત સત્સંગ થતો કે ?
જવાબ: શની, રવી, દિવાળી, વેકેશન કે રજા દરમ્યાન હું ત્યાં જઈ મૂંગો બેસી જતો. મુમુક્ષુઓ બ્રહ્મચારીજીને પૂછે તે અને તેના જવાબો સાંભળ્યા કરું. બ્રહ્મચારીજી જે પત્રો લખે (પત્રસુધા) તે મને વાંચવા આપે, હું વાંચું, કાગળ બીડી, લીમડેથી લાવેલો ગુંદર લગાવી, ટપાલમાં પોસ્ટ કરું.
પૂ. શ્રી બ્રહ્મચારીજી સમક્ષ - ‘મને મુખડાની માયા લાગી હતી’
મેં પૂછ્યું: બ્રહ્મચારીજી સાથે પરિચય કેટલો અને કેવો ?
જવાબ: ઘનિષ્ટ પરિચય. ઘણા બધા સ્થળોએ તેઓ સાથે હું જાત્રાએ જતો - ચરોતરમાં બધેજ, વવાણિયા પ્રતિષ્ઠા, ભાદરણ પ્રતિષ્ઠા (પૂ.શ્રી બ્રહ્મચારીજી લિખિત જીવનકળાની પ્રભાવના), રાજકોટ, ઇડર, પાલીતાણા, વગેરે વગેરે…મેં પૂછ્યું: આઝાદીની લડાઈમાં ભાગ લીધો હતો કે ?
જવાબ: શાળામાં વાનરસેનામાં એક સભ્ય તરીકે ખરો, પણ ખાસ રસ નહીં. ‘પરમકૃપાળુદેવને મળ્યા બાદ હવે આત્માને કર્મની ગુલામીમાંથી છોડાવવાની વાત છે ત્યાં અંગ્રેજોની ક્યાં વાત કરવી?’ એ બધું છેવટે તો વ્યવહાર જ ને.મેં પૂછ્યું: ગાંધીજીનો પરિચય ખરો કે ?
જવાબ: ગાંધીજીએ હરિજનવાસથી નીકળતા - નવજીવન નામના માસિક છાપામાં લખી નાખેલ - કવિએ (યુવારાજ-પ.કૃ.દેવ) અવધાન વેળા રચેલ કવિતા ઉતાવળે રચી હોય એટલે સંપૂર્ણ ન હોઈ શકે-ભૂલ હોય.
તેઓને ખુલાસા સાથે મેં (મગનકાકાએ) લખ્યું કે “અહીં તમો ભૂલો છો. પૂર્ણ જ્ઞાનીનો ઉપયોગ ‘એક સમયવર્તી’ હોય અને અજ્ઞાનીનો ‘અસંખ્યાત સમયવર્તી’ એટલે જ્ઞાનીથી ભૂલ ન થાય, અજ્ઞાનીને ભૂલ સંભવે."
ગાંધીજીએ ફરીના અંકમાં આ અંગે છપાવ્યું- "હું જૈનની પરિભાષાથી અજાણ અને જ્ઞાનીના ઉપયોગ વિષે અમાહીતગાર હતો એટલે આ મુજબ લખી નાખ્યું એ મારી ભૂલ હતી. હું મારું આ લખાણ પાછું ખેંચી લઉં છું.”
આ પરિપત્ર - છાપું અમને બતાવતા કહેલ- ‘પરમકૃપાળુદેવનું કોઈ ઘસાતું બોલે તે ન પોસાય’પ્રશ્ન: તીવ્ર વેદની આવે ત્યારે શાંતિ કેમ કરીને રહે?
જવાબ: પાંત્રીશ વર્ષની ઉંમરે બંદુકની ગોળી છાતીમાં વાગી તે ફેફસું ફોડી આરપાર નીકળી ગઈ. લોહીનો ફૂવારો છૂટ્યો. વીજળી વગરની ઈસ્પિતાલમાં ઈલાજ દરમ્યાન પણ હું પ.કૃ.દેવની ભક્તિ કરતો અને અન્ય દર્દી અને તેના સંબંધીઓને કરાવતો. ભાવના ભાવતો કે ‘હે ! પ.કૃ.દેવ થોભજો, હું આવુ છું. આપણે મોક્ષનો સંગાથ કરીશું !’
૩૫ વર્ષની ઉંમરે છાતીમાં બંદૂકની ગોળી વાગી. ગોળી છાતીમાંથી આરપાર થઈ નીકળી ગઈ.
પ્રશ્ન: મોતનો ડર લાગે કે નહીં ?
જવાબ: મરું તો પણ શું વાંધો છે ? સારું, પ.કૃ.દેવ પાસે જાઉં કે કોઈ અન્ય ક્ષેત્રે સારો સત્સંગ મળે. હું અહીંયે ભક્તિ કરું છું તો બીજે જઈને શું કરવાનો ? અહીં પરણ્યો નહીં, બીજે જઈ પરણવું નથી. અહીં ધંધો નથી કરતો, બીજે જઈ દુકાન નથી માંડવી. ભક્તિ જ કરવી છે.
‘જીવું તો જિનવર જપું, મૂએ મુક્તિ પાઉં;
દોનો હાથમેં લડ્ડુ, જો ભાવે સો ખાઉં.’મેં પૂછ્યું: તમારો મેટ્રીકમાં આખા ગુજરાત બોર્ડમાં ૧૧મો નંબર આવેલો (મેં તે વર્તમાનપત્ર મેડા પરના કબાટમાં જોયેલું!) તો આગળ ભણ્યા કેમ નહીં ? આ વિશાળ વાંચન સાથે ગ્રેજ્યુએટ થઇ પ.કૃ.દેવ પર પી.એચ.ડી. વગેરે થવાત ને !
જવાબ: અમારે બાયડી (સ્ત્રી), પી.એચ.ડી.- બધી બાયડીની બાધા છે તે ! શું કરવી છે એને? ભણેલો વધુ ભૂલે.
(વગર પૂછ્યે - ‘અધ્યાત્મમાર્ગમાં પી.એચ.ડી. થવું કે નહીં?’- તેનો જવાબ મળી ચૂક્યો.)મેં પૂછ્યું: તો પછી ઉર્દૂની છઠ્ઠી પરીક્ષા - કાબીલ પણ પાસ કરી અને વણાટ પણ શીખ્યા તે શા માટે?
જવાબ: એ તો મારે હેડમાસ્તર તરીકે શિક્ષકોને હિન્દી-ઉર્દૂ શીખવવાનું માથે આવ્યું અને વણાટ શીખવવાની જવાબદારી પણ આવી પડી તે આપણને સોંપેલ જવાબદારી પૂર્ણ કરવા સારું જ. આપણને જે કામ સોપ્યું હોય તે પૂરું કરવું - વેંઠ નહીં ઉતારવી એ ખ્યાલ મનમાં ખરો.પ્રશ્ન: તમોએ બ્રહ્મચારીજીને (તેઓની હયાતી બાદ) કોઈ જ્ઞાની-સત્પુરુષ બાબત પૂછેલ કે ?
જવાબ: તેઓએ કપાળ કુટેલ !પ્રશ્ન: તમોને ધર્મ-પ્રભાવના વિષયક કંઈ આજ્ઞા આપી છે ?
જવાબ: એક જ આજ્ઞા પરમકૃપાળુદેવની ભક્તિ કરવાની. વચનામૃત વાંચવાની. હા, એટલું ખરું કે તેઓએ કહેલ કે કોઈને જો રસ હોય તો તારે વચનામૃત વાંચી સંભળાવવું.પ્રશ્ન: તમોએ એ બાબત શું કરેલ ?
જવાબ: સીમરડા, પોરડા, સુણાવ, રૂપીયાપરા, કાવિઠા, બાંધણી, આશી, સંદેસર, પાળજ, કાસોર વગેરે સ્થળે હું શિક્ષક તરીકે મારી બદલી થાય તે ફર્યા કરતો અને જ્યાં જાઉં ત્યાં ૧૦-૧૫ ઘર પ.કૃ.દેવની માન્યતા વાળા કરતો જાઉં. સુણાવમાં તો મોક્ષમાળાની પાઠશાળા ચલાવેલ જેમાં ૫૦ છોકરા આવતા. આજેય હજુ તેમાંના ઘણા ડોસા જીવે છે ને ભક્તિ કરે છે. મારી પાઠશાળાની મુલાકાતે શ્રી બ્રહ્મચારીજી, પંડિત લાલન અને શિવજી દેવજી મઢડાવાળા વગેરે આવતા.
મેં તો ગાંધીજી, રવિશંકર મહારાજ, કાકા કાલેલકર, વિનોબા ભાવે, બાલ્કોબા અને બીજા કેટલાકને પ.કૃ.દેવના અતિશયોની વાતો કરી છે.
શ્રી સુણાવ ક્ષેત્રે મોક્ષમાળાની પાઠશાળા - જેને પૂ.બ્રહ્મચારીજીએ ‘સુબોધ’ પાઠશાળા નામ સૂચવેલ.
પ્રશ્ન: આ ખેતર, ઘર બધું વેચી કેમ નથી દેતા ?
જવાબ: આ કાળ દીક્ષા માટે પ.કૃ.દેવે અનુકૂળ નથી ગણ્યો. રળ્યો રોટલો ખાવો, હાથ લંબાવી દીનતા કરવાની અમને બ્રહ્મચારીજીએ ‘ના’ કહી છે. લાચારી ન કરવા જણાવ્યું છે. બ્રહ્મચારીજીએ પાણીનો એક પ્યાલો પણ કોઈ પાસે માંગ્યો નથી તો ?હું પોતે પણ ખાસ પ્રયાસ કરી પરમકૃપાળુદેવને રૂબરૂ મળ્યા હોય એવા ૧૧૫ વ્યક્તિઓને-મૂળ વાતો જાણવા અને માણવા મળ્યો છું. જેવા કે પ્રભુશ્રી અને બીજા ત્રણ મુની, પંડિત લાલન, ત્રિભોવન માણેકચંદ, સોમચંદ મહાસુખરામ, કાવીઠાના ઝવેરશેઠ, જૂઠાભાઈના મોટાભાઈ જેસિંગભાઈ, પોપટલાલ મહોક્મચંદ, ગાંધીજી વગેરે અને સોભાગભાઈના ભાણા-ધીરૂભાઈ, મુનદાસના મોટાભાઈ ભાઈલાલ પ્રભુદાસ (મગનબાપાના વર્ગ શિક્ષક) અને તેઓની સાવકી મા, વગેરે વગેરે…"
મુનિ ચતુરલાલજી તો પ.કૃ.દેવના પ્રત્યક્ષ પરિચયમાં આવેલ. એક વેળા તેઓનું ચોમાસું સુણાવ હતું. સુણાવને ઉપાશ્રયે તેઓ સાથે આખી આખી રાત સત્સંગ-ગોષ્ઠિ થાય. તેઓ છ ફૂટ ઊંચા અને કદાવર બાંધાના હતા જ્યારે પ.કૃ.દેવનો બાંધો નીચો અને કાંઈ કદાવર નહોતો.
એક વેળા તેઓ કહે : પ.કૃ.દેવ મુંબઈથી પધારવાના હોય ત્યારે અમે સ્ટેશને સામે જઈએ. હું ડબ્બા સાથે દોડું અને ગાડી ધીમી પડે કે તુર્તજ પ.કૃ.દેવને તેડી લઉં-ઉતરવા જ ન આપું. હું તો તેઓને તેડી નાચું કે મારો ભગવાન આવ્યો-મારો ભગવાન આવ્યો. મોટા મહારાજ (પ્રભુશ્રીજી) મને ભાંડે (ખીજાય) કે ‘મેલ ગાંડિયા, ભગવાનને ઊંચકીને નચાય નહીં’, પણ હું કંઇ છોડું જ નહીં.
આ વાતો પૂ.મગનબાપાએ અમોને પણ ઘણીએ વાર કહી સંભળાવી છે. તેઓ જણાવતા કે આ વાત કરતાં મુનિ ચતુરલાલજીની આંખમાં ચમકારો જણાતો.મેં પૂછ્યું: નવકારમંત્રમાં પ.કૃ.દેવને ક્યાં મુકવા? સિદ્ધ તો સિદ્ધશિલાએ, અરિહંત તો મહાવિદેહે અને સાધુ, ઉપાધ્યાય અને આચાર્ય તો ગૃહત્યાગી હોય.
જવાબ: તમો હમણાં ક્યાંથી આવ્યા ?
મેં કહ્યું: નીચે ભોંયરામાં દર્શન કરવા ગયેલ. (વડવા આશ્રમમાં ભોંયરે દેરાસરમાં)
જવાબ: તે મૂર્તિ શેની હતી ?
મેં કહ્યું: આરસની.
પ્રશ્ન: તેમાં જીવ હોય કે ?
મેં કહ્યું: ના.
જવાબ: પ.કૃ.દેવ તરફ આંગળી કરી - “આ જીવતી મૂર્તિ (‘સજીવન મૂર્તિ’)"
પછી આગળ પૂછ્યું : પરમાત્માને શરીર સંભવે ?
મેં કહ્યું: અશરીરી હોય, અગંધે-અવર્ણે-અસ્પર્શે વગેરે…
જવાબ: આ ‘દેહધારી પરમાત્મા!’
આગળ પૂછ્યું : મોક્ષ દેખાય કે ?
મેં કહ્યું: તે તો અગમ, અગોચર, નિરંજન, નિરાકાર જ હોય ને…
જવાબ: આ ‘મૂર્તિમાન મોક્ષ’ જોઈ લ્યો. પ.કૃ.દેવ ભગવાન જ, મહાવીર જ, પરમાત્મા જ… નવકારની ઉપર. નવકારના તે જનક. નવકાર બનાવે કોણ ? બનાવ્યો કોણે ? તેણે જ, સત્પુરૂષે જ ને !
અમને પ્રભુશ્રીજીએ કહ્યું છે કે,
એક પ.કૃ.દેવને ભજતા બધાં જ્ઞાનીઓ આવી જ ગયા.એક વખત (શરૂ શરૂમાં) મેં કહ્યું: હું મુંબઈનો મોટો ડોક્ટર છું, સ્પેશ્યાલીસ્ટ છું, આ મારું કાર્ડ મૂકુ છું.
જવાબ: હા. મૂકી દ્યો. આવા ઘણા કાર્ડ લોકો મૂકી જાય તે આઠ-દસ દા‘ડે પછી પાછા ખોવાય જાય છે.
જાણે કંઈ મહાત્મ્ય જ નહીં ! મારી ડીગ્રી-ભણતર બાબત પૂછે તો હું બોલવાનું શરુ કરું ને ? કહું-કહું થતું હતું પણ પૂછે તો ને? પણ તેઓને તો…. ’અચિંત્ય રાજ-માહાત્મ્યનો પ્રફુલ્લિત ભાવ’
આવી ગયો હોય એટલે આ બધું…
’આત્માથી સૌ હીન જ લાગે’
તે સ્વાભાવિક હતું. જો કે આ બધું ત્યારે કંઈ આટલા અલ્પ-પરિચયમાં સમજાયું ન હોય પણ તેઓ પાસે ’કંઈક તો હશે’ કે આ મહાત્મ્ય જ નથી જણાતું એટલું તો વિચારમાં અમને પણ આવ્યું.
‘જિસ ધનસે બની ધની, માને મણીને કાચ;
તે ધનની જીણી કણી, નમી યાચું તુજ પાસ.
હે રાજ ! નમી યાચું તુજ પાસ.’સૌ પ્રથમ અમો બાંધણી આશ્રમ ગયા ત્યારે તેઓનું ધોતિયું, તેઓએ ના કહી છતાં, ધોવા લઇ લીધું હતું. આગલે અઠવાડિયે ફરી અમો મુંબઈથી બાંધણી પહોંચ્યા ત્યારે તેઓ ધોતિયું પલાળી, ભીંજવી, સુકવીને ગંભીરતાથી બેસી ગયા હતા. અને પ્રથમ જ ખુલાસો કર્યો કે તેઓનું ન્હાવા-ધોવાનું પતી ગયું હતું.
અમો શનીવારે સવારે આણંદથી બાંધણી જવા ઓટો રિક્ષા કરીએ તે સુણાવ થઇને લેવા જણાવતા એટલે તેઓને પણ સાથે લઇ લેવાય. આવું એકાદ વાર થયું એટલે ત્યારબાદ તેઓ આગલે દિવસે સાંજે જ આશ્રમમાં આવી પહોંચતા જેથી અમારી રિક્ષાની સગવડ ન લેવી પડે.
વળતી વખતે રવિવારે રાત્રે અમો આણંદ રેલવે સ્ટેશને જવાની રિક્ષા સુણાવ થઈને લેવા કહેતા એટલે તેઓને રિક્ષામાં ઘેર પહોંચાડી દેવાય. આવું એકાદ વાર કર્યું કે તેઓ ત્યારબાદ સોમવારે સવારે ઘેર જવા નીકળવા લાગ્યા એટલે તેઓને રિક્ષામાં અમારી સાથે આવવું ન પડે.આરતીમાં નાખવાના આઠ આનાના સિક્કા-પરચુરણ હું રાખતો. દસ રૂપિયાની નોટ તેઓ મને આપે તેના બદલામાં હું ૨૦ને બદલે જાણી જોઈને ૨૪-૨૫ સિક્કા મુકી દઉં જેથી તેઓને સિક્કાની ગોઠવણ અમારી ગેરહાજરીમાં પણ ન કરવી પડે, તો તેઓ મારા જવા બાદ ગણીને વધારાના સિક્કા “તમોએ ઉતાવળમાં ૪ સિક્કા વધુ મૂકી દીધા છે” એમ જણાવી વધારાના પાછા આપતા !
લાખો રૂપીયાની મિલકત- ૧૮ ઓરડાનું ઘર, ફિક્સ ડિપોઝિટની રસીદો, વર્ષોનું ભેગું થયેલું પેન્શન વગેરે - પૈસાની ખોટ નથી પણ હવે કંઈ વાપરવું જ નથી, શું ભોગવવું છે ? એ ખ્યાલે એક પણ વસ્તુ ખરીદ પણ કરતા નહીં.
સો વર્ષના દીર્ઘ આયુષ્યમાં શરીરે તેલ કે સાબુ અડક્યા જ નહીં, કપડાં સાબુ વગર, ફક્ત પાણીથી ધોઈ લેવાના (કપડાં બહુ ઘસીએ તો જલ્દી ફાટે એમ કહેતા !), દાઢી અઠવાડિયે-પંદર દિવસે એક વખત તે પણ સાબુ વગર માત્ર પાણીથી જ. એ બ્લેડ અને રેઝર ૪૦-૫૦ વર્ષ જુનું, આઠેક મહીને માથાના વાળ કપાવવાના અને બે ટોપીઓ તો ૪૦-૫૦ વર્ષ જૂની !જિંદગીના ઘણા વર્ષો સુધી લાકડી પણ નહીં (૯૧મેં વર્ષે આસો - વદ એકમના આત્મસિદ્ધિના ૧૫૦ નમસ્કાર અમોએ સાથે કર્યા છે, માણ્યા છે.)
એ વખતે આસો વદ-૧ ને દિવસે મેં કહ્યું: તમો આરામ કરો અમો નમસ્કાર કરીએ છીએ.
જવાબ: રોજ ક્યાં ? વરસે એક વાર જ આવે છે ને આટલા નમસ્કારનો દહાડો.
અને ૧૫૦ નમસ્કાર કર્યા પણ ખરા!ચશ્માં છેવટ સુધી નહીં જ - કોણ બોજો વધારે? નવ નવ વર્ષોથી ડાબી આંખે તદ્દન અંધાપો હતો અને ફક્ત એક જમણી આંખે જ વાંચતા જેની અમોને પણ બહુ છેલ્લે જાણ થઇ હતી ! તે પણ અકસ્માત જ ! ફરિયાદ રૂપે નહીં જ.
કોઇપણ સ્થળે સત્સંગ માટે જવાનું હોય ત્યારે થેલીમાં એક જોડી કપડાં, ટુવાલ-રૂમાલ, ટોપી, (અને શિયાળો હોય તો શાલ, સ્વેટર, કાનટોપી) અને આરતીમાં નાખવાનું પરચુરણ, બસ - આટલો જ પરિગ્રહ !
એક વખત ઘાટકોપર મંદિરમાં ચૈત્ર - સુદ ૧૩ થી ચૈત્ર - વદ પંચમી સુધી સ્વાધ્યાય-ભક્તિ હતી. તેમાં તેઓને વાંચન માટે આમંત્રેલા. અમો બાંધણીથી મુંબઈ તેઓને અમારે ઘેર લઇ આવેલ.
કાર્યક્રમ પત્યો કે મને સહજ જ સરળતાથી કહે : મને તમો મેલગાડીમાં-ટ્રેનમાં બેસાડી દ્યો એટલે હું સુણાવ પહોંચી જઈશ, તમારે નકામું ટીંચાવું નહીં.
અમો મૌન જ રહ્યા. શું જવાબ આપવો? કંઈ અપેક્ષા જ નહીં ! નિસ્પૃહતા !અમો ત્રણ જણા ફેબ્રુ.-૨૦૦૫માં સમેત્તશિખર યાત્રાએ ગયેલ. અજાણ્યા પ્રદેશમાં આ ઉંમરે વધુ ન રોકાવું પડે તે હેતુથી ફ્લાઇટમાં જવા-આવવાનું અમોએ ગોઠવેલ. સવારે સાડા ત્રણ વાગે નીકળી વહેલા ચડવાનું શરૂ કર્યું અને લગભગ ટોંચે પહોંચ્યા ત્યારે ‘હવે કેટલું બાકી રહ્યું ?’ તેમ ઉપર નજર કરી પૂછ્યું અને પછી બોલ્યા-
‘આપણે માટે તો ઇડર જ સમેત્તશિખર હો કે!’
પ.કૃ.દેવ પરમાત્માએ સ્પર્શેલ ભૂમિ - ઇડર, દેહ છોડ્યો રાજકોટ અને સુવર્ણ ભૂમિ - વડવા ક્ષેત્રને કહી છે. આટલી સરળતાથી તીર્થયાત્રા કોને કહેવાય તે સમજાવી દીધું.ચરોતરના બધાં જ મંદિરો કેટલીયે વાર, વવાણિયા, રાજકોટ, ઇડર, વટામણ, હમ્પી, બેંગ્લોર, દેવલાલી, સાયલા અને પાલીતાણા, પાવાપુરી, સમ્મેતશિખર - બધે તીર્થયાત્રા અને ક્ષેત્રસ્પર્શના તો કરી પણ તેઓ છેલ્લે કહેતા-
‘હવે આ મડદું ફેરવ ફેરવ ન કરો, ખર્યું પાન કહેવાય, ક્યાંક મર્યો તો તમારે માથે પડીશ. બધું જ- બાળવા કરવાનું તમારે માથે આવી પડશે.’
અને… આવી માર્મિક, મોઘમમાં બોલવાની પદ્ધતિ અમો હવે આટલા વર્ષના સમાગમે, સમજતા થઇ ગયેલ અને એ મુજબ બનનાર બન્યું પણ ખરું… તે સાથે અમોને સમાધિમરણ કોને કહેવાય ? તે શાસ્ત્રોમાં વાંચેલ તે પ્રત્યક્ષ જોવા, જાણવા, માનવા અને માણવા પણ મળ્યું ! આ પરમકૃપાળુદેવની કૃપા! … ‘અહો ! અહો ! શ્રી સદ્ગુરૂ…’શાળાના વિદ્યાર્થીઓ અને તેઓના માં-બાપ સર્વે નિશાળ નજીક એક ઝાડ નીચે કોઈ બાવાજી બેસતા ત્યાં દર્શને આવતા. માતાજીને દીવો-અગરબત્તી કરી, નીચે રાખેલ થાળમાં પૈસા નાખી, દર્શન કરી જતા અને સાથે બાવાજીને ફળ, અનાજ કે કપડા વગેરે યથાશક્તિ આપતા. આ વાત મારા ધ્યાનમાં આવતા મેં એ જ ઝાડ પર નિશાળના છોકરાઓ પાસે ત્રિશૂળની નિશાની જેવી ‘કોતરણી’ કરાવી અને થોડાક જ દિવસોમાં ઝાડના થડે એવા જ બીજા માતાજી પ્રગટ થયેલ દેખાડ્યા ! લોકોને સ્વાનુભવથી મર્મ સમજાયો અને પેલા બાવાજીએ પણ પછી ત્યાંથી સમજીને વિદાય લીધી.
રક્ષાબંધનના દિવસે પૂનમ હોઈ ઘણાં આત્મસિદ્ધિ કરવા આવે. સત્સંગ દરમ્યાન હાથ પર રાખડીના ઝૂમખા બાંધેલ એક-
જિજ્ઞાસુ ભાઈ પ્રશ્ન કરે છે : આ રાખડી તો રક્ષણ કરેને?
મગનબાપાએ તુર્ત જ ખુલાસો કર્યો : મને આ જુઓ ૧૦૦ વર્ષ થવા આવ્યા અને મેં તો ક્યારેય રાખડી બંધાવી નથી તો યે મર્યો નહીં !એક ભાઈ સંપ્રદાયની ગાઢી પક્કડ સાથે દિગંબર આમ્નાયને ટાંકીને બોલ્યા : તમો પ.કૃ.દેવને ભગવાન માનો છો અને જ્ઞાની તરીકે ગાઓ છો પણ તેઓ તો ગૃહસ્થી હતા ને ?
પૂ.મગનબાપાએ તેને સમાધાન થાય (સાથે હળવાશ પણ અનુભવાય) તે મુજબ મતમતાંતરથી પર રહી સ્મિત કરતા-
ખુલાસો કર્યો : અમારા ભગવાન - રામ અને કૃષ્ણ પરણ્યા જ હતા એટલે અમને આ વિકલ્પ ઉઠતો જ નથી !