RajBhakti Books
એકલો જાને રે - પૂજ્ય શ્રી મગનબાપા | Eklo Jane Re - Pujya Shri Maganbapa

અગમ એંધાણ - દેહવિલયના

છેલ્લા છ-આઠ મહિનાથી તેઓ અવારનવાર કહેતા-
‘હવે કંઈ ખાવાની રુચિ રહી નથી.’

જોકે કોઈ ખાસ રોગના ચિન્હો નહોતા પણ ખોરાક ઓછો કરી નાંખેલ. એ પણ એક ભાવિનું એંધાણ તો હતું જ. પણ… અમો વડવા આશ્રમમાં, દિવાળીની માળા અર્થે ઓક્ટોબર ૨૦૧૪માં મુંબઈથી આવવા નીકળ્યા ત્યારનો આ પ્રસંગ છે. દેહ વિલયના સાડા સાત મહિના પહેલા બનેલ આ પ્રસંગનું વિડીઓ રેકોર્ડીંગ પણ કરેલ છે.

છેલ્લા એક દોઢ વર્ષથી એમના ખેતરે તેઓ ગયેલ ન હતા જે અમારા ધ્યાનમાં હતું કેમકે વર્ષમાં એકાદ વાર ખેતરે આંટો મારવાનું બનતું, એટલે-
અમોએ મગનકાકાને પૂછ્યું : ખેતરે આંટો મારી આવવો છે?
તો કહે : કંઈ નહીં, કોણ ટીચાય નકામું.
અમોએ કહ્યું : અમને કંઈ અગવડ નથી.
તો થોડી વાર પછી, વિચારી કહે : ઠીક ત્યારે જઈ આવીએ, પછી ફરી ક્યાં જવાના છીએ ?

આવો જવાબ માર્મિક જણાયો, અને તુર્તજ અમે ખેતરે જવા ગોઠવ્યું. ( જાણે ખેતરની આખરની ક્ષેત્ર સ્પર્શના પૂરી કરવા !)

સાડા નવ્વાણું વર્ષની ઉંમર, થાક અને નબળાઈ સાથે (આગલે દિવસે મુંબઈથી નીકળી, આખી રાત્રીની ટ્રેઈનની મુસાફરીનો થાક, રાત્રે ૧૨.૩૦ વાગે ટ્રેઈનમાં સુઈ જઈ સવારે ૩ ૧/૨ વાગે ઉઠી, સવારે ૬ વાગે સુણાવ પહોંચી, નાહી કરી, એક કિલોમીટર જેટલું અંતર ચાલીને (ભત્રીજીને ઘેર મુંબઈથી આવ્યાની અને પાછા વડવા દિવાળીની માળા કરવા જવાની જાણ કરી પાછા ફરી) સવારે ૮.૩૦ વાગે સુણાવ ખેતરે પહોચ્યાં. અમે બે જણે બન્ને બાજુથી પકડી રાખી, આખા ખેતરની ક્ષેત્ર સ્પર્શના પૂરી કરી !

કોઈ ચર્ચા કે પૂર્વ યોજના વિના જ, તેમણે
‘ફરી ક્યાં જવાના છીએ ?’

ક્ષેત્ર સ્પર્શના પૂરી કરી…

ક્ષેત્ર સ્પર્શના પૂરી કરી…

એ માર્મિક વચન કહેલ તેથી કરી તે ક્ષેત્રને નમસ્કાર કર્યા. (વિડીઓ રેકોર્ડીંગ કરેલ છે). ‘જાણે આ ખેતરે ફરી ક્યારેય આવવાનું જ નહોતું!’ (અને બન્યું પણ એમજ)
“જગતમાંથી જે જે પરમાણું પૂર્વકાળે ભેળાં કર્યા છે તે હળવે હળવે તેને આપી દઈ ઋણમુક્ત થવું, એ જ તેની સદા સઉપયોગી, વ્હાલી, શ્રેષ્ઠ અને પરમ જીજ્ઞાસા છે, બાકી તેને કંઈ આવડતું નથી, તે બીજું કંઈ ઈચ્છતો નથી, પૂર્વકર્મના આધારે તેનું સઘળું વિચરવું છે….”  (વ.મૃ.- ૩૭)

અમો શ્રીમદ્‌ રાજચંદ્ર મંદિર, દેવલાલીને ૫૦ વર્ષ પૂર્ણ થયા, તેના ઉત્સવ નિમિત્તે ભક્તિ-સ્વાધ્યાય અર્થે, દેવલાલી, નવેમ્બર-૨૦૧૪ ના પહેલા અઠવાડિયા દરમ્યાન ગયેલ (તા. ૧ થી ૬). મુંબઈના પચીસેક મુમુક્ષુઓને પૂ.શ્રી મગનબાપાના સત્સંગ-સમાગમના ઘણા સમયના ભાવ હોવાથી અમારે ઉતારે તેઓ સાંજના દેવવંદન બાદ આવેલ.

આવનાર મુમુક્ષુઓની રૂચી અનુસાર દર વખતે હું મગનકાકાને અર્ધો-પોણો કલાક બોધ આપવા વિનંતી કરતો, તેથી મેં તેઓને કહ્યું કે, ’ આ બધાને કંઈક ફરમાવો.’ તેઓએ ટૂંકમાં પ.કૃ.દેવની શ્રદ્ધા દ્રઢ થાય, વિષય-કષાય ઘટે અને ભક્તિ વધે તે કહી, લગભગ ૩૦ મિનીટમાં બધું સમેટી લીધું ! ઘણું કરીને આવે વખતે મારે તેઓની શાતા મુજબ નક્કી કરી, વચ્ચેથી બંધ કરવા કહેવું પડતું, તેને બદલે તેઓ બે હાથ જોડી, મસ્તકે અડાડી, આંખો મીંચી

બોલ્યા : સહજાત્મસ્વરૂપ પરમગુરુ -પરમકૃપાળુ દેવ
પછી બોલ્યા : મોતના મોઢામાં છીએ. અમારો જોગ પૂરો થયો. તમારી પાસે મૂડી (આયુષ્યની) છે, અમે શોધીએ તો હવે ન જડે. ‘કહેવાનું બધું કહી દીધું, બીજું શું ? ભક્તિ કરજો.’
(આ રેકોર્ડ પણ કરેલ છે.)

આટલું જલ્દી સમેટી લીધું જેથી અમે વિમાસણમાં પડ્યા કે જાણે હવે ભાષાના પુદ્‌ગલ, આયુ કર્મ સાથે ખૂટવા આવ્યા જણાય છે. આ અમોએ અંગત રીતે નોંધેલ અને રાત્રે બધા છૂટા પડયા કે તરતજ લંબાણપૂર્વક ચર્ચેલ. (દેહવિલયના સાત મહિના પહેલાની આ વાત છે - ૪ નવેમ્બર, ૨૦૧૪)

દેવલાલીના આ સત્સંગ ભક્તિના કાર્યક્રમ બાદ ફક્ત ત્રણ જ વાર તેઓએ જાહેરમાં સ્વાધ્યાય કરાવેલ.
1. ૯ એપ્રિલ ૨૦૧૫, ચૈત્ર વદ પંચમી, પ.કૃ.દેવનો દેહ વિલય દિન - અમારે ઘેર - ૨૦ મિનીટ.
2. ૧૨ એપ્રિલ, ૨૦૧૫, ઘાટકોપરમાં એક મુમુક્ષુભાઈ જેઓ ઘણા વખતથી મગનબાપાના સત્સંગની ભાવના ભાવતા - તેઓને ત્યાં ૧૫ મિનીટ, અને
3. ૨૬ અપ્રિલ, ૨૦૧૫, વૈશાખ સુદ આઠમ, પ. પૂ. પ્રભુશ્રીનો દેહવિલય દિન, શ્રીમદ્‌ રાજચંદ્ર મંદિર, ઘાટકોપર- ૪૫ મિનીટ.

આ વખતે તેઓએ પૂછેલ : તેઓએ આપણને બોલાવ્યા છે?
મેં કહ્યું: ત્યાંના વહીવટ કર્તાની વિનંતીનો ફોન આવેલ અને મેં ‘હા’ કહી દીધી છે.
(જાણે હવે ઉદય પૂરો થયો છે અને ઉદેરીને કંઈ કરવું નથી !)

અગાસ આશ્રમના, છેલ્લા રોકાણની આ વાત છે. (તા. ૧૯-૩-૧૫ થી ૨૭-૩-૨૦૧૫)

રવિવાર તા.૨૨મી માર્ચ ૨૦૧૫ ના દિવસે સાંજના ચોવિહાર કર્યા બાદ અમો ઉતારે પાછા ફરતા હતા ત્યારે મગનકાકા એકાએક બોલ્યા કે, ‘આપણે મેડીએ (જ્યાં પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીની અને પૂ.શ્રી બ્રહ્મચારીજીની બેઠક છે) દર્શન કરી આવીએ.’

બે દાદરા જેટલું ઉપર ચઢવાનું હોવાથી અમોએ (મેં અને આણંદના એક ભાઈએ) બંને બાજુથી ઊંચકી, ઉપર ચડાવ્યા. બધે દર્શન થયા બાદ, રાજમંદિર પાસે જતાં આજ જગ્યાએ, પોતાની ૧૯ વર્ષની ઉંમરે પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીની આજ્ઞાથી, પૂ.બ્રહ્મચારીજી પાસેથી સ્મરણમંત્ર, ભક્તિ, સાત અભક્ષ્ય અને સાત વ્યસનનો ત્યાગ અને તે સાથે રાત્રિભોજન ત્યાગની અને ‘આજીવન બ્રહ્મચર્ય’ વ્રતની આજ્ઞા લીધેલ તે પ્રસંગ તાદ્રશ્ય વર્ણવ્યો. પછી અમે નીચે ઉતરતા હતા ત્યારે તેઓ સંતુષ્ટ ભાવે બોલ્યા,
‘સારું થયું, બધે દર્શન થઇ ગયા, હવે ફરી અવાય કે કેમ ?’

આવા બધા પ્રસંગો અમે નોંધી લેતા હોવાથી, તેઓ આ પ્રમાણે બોલ્યા કે અમારી ભવિષ્યની દહેશત મજબુત થઇ કે હવે સત્સંગના જોગનું અમારું પુણ્ય (તેમના આયુષ્ય સાથે) પૂરું થવા આવ્યું લાગે છે.

વળી દેહવિલયના ૨ મહિના અગાઉ તા.૨૭-૩-૧૫ ને દિવસે, તેમના ભત્રીજા પંદર વર્ષ બાદ તેઓને (કાકાને) લંડનથી મળવા આવેલા હતા. અમારો ઉતારો અગાસ આશ્રમ રૂમ નં -૧ માં હતો. બપોરે ૨.૦૦ વાગે તેઓ આવ્યા. અમુક વાતચીત (પાંચેક મિનીટ) કરી, પૂ. શ્રી મગનબાપા તેમને બે હાથ જોડી કહે છે-
‘ઠીક ત્યારે, હવે તારે લંડન પાછું ફરવું હોય ત્યારે ફરજે - આપણે હવે મળીશું નહીં.’
(આ પ્રમાણે તેમનું બોલવું અમને અસામાન્ય લાગેલ અને તુર્ત જ નોંધી લીધેલ.)

બુધવાર, તારીખ ૧લી એપ્રિલ ૨૦૧૫, રાત્રે સુણાવમાં એક મુમુક્ષુ ભાઈને ઘરે ભક્તિ-સત્સંગનો કાર્યક્રમ હતો એટલે તેઓ સુણાવ રોકાયા હતા. હું રાત્રે મુંબઈથી નીકળી ગુરુવાર, તા.૨જી એપ્રિલ, સવારે ૬ વાગે સીધો સુણાવ મંદિરે પહોચ્યો, જ્યાં સવારની ભક્તિ ચાલતી હતી, જે પૂર્ણ થતા મેં તેઓને મુંબઈ લઇ જવા આવ્યો છું - વગેરે જણાવ્યું.

વર્ષોથી તેઓને લેવા મૂકવા જતો ત્યારે લગભગ હું જ તેઓના ભત્રીજીને અને ભત્રીજા જમાઈને સંદેશો આપવા જતો કે અમો અમુક સ્થળે ભક્તિ અર્થે જઈએ છીએ. (તેઓને કારમાં જ બેસાડી રાખતો).

પણ આ વખતે કંઈ વિપરીત જ બન્યું-જોયું ! અમે સવારે ૭ વાગે સુણાવથી મુંબઈ જવા નીકળ્યા અને તેઓશ્રી તેમની ભત્રીજી અને ભત્રીજા જમાઈ (જે અન્ય સંપ્રદાય મતના છે ) તેઓને બે હાથ જોડી નમસ્કાર કરતા બોલ્યા ‘બસ ત્યારે - જય પ્રભુ’ અને અમો રવાના થયા.

આ પ્રકારનું દ્રશ્ય ૨૦ વર્ષમાં મેં પ્રથમ જ જોયું કે તેઓ બે હાથ જોડી નમસ્કાર કરીને વિદાય લે છે, જે મારા માટે આશ્ચર્ય હતું અને નજીકના ભાવિમાં ‘વિદાયના એંધાણ’ કરાવી ગયું, અને મગજમાં કોતરાઈ ચુક્યું, તે એવું કે સાંજે ૫ વાગે ઘેર પહોંચતા-ચપ્પલ કાઢતાં કાઢતાં જ મેં ઘેર કહ્યું કે…
“મગનબાપા હાથ જોડીને સુણાવથી નીકળ્યા છે. …અને હવે તેઓ પાછા ક્યારેય સુણાવ નહીં જાય!”

આ તો દેહવિલયના ૫૮ દિવસ પહેલાની વાત !

ખોરાક ધીરે ધીરે ઘટતો જતો હતો, ૨-૩ દિવસના આંતરે બપોરે જમીને કહેતા કે હવે સાંજે મારું જમવાનું ન બનાવતા.
…અને છેલ્લા ૧૦ દિવસ દરમ્યાન તો નિયમ પ્રમાણે એકજ વાર ભોજન લેવા ઠેરવ્યું. તેઓ વારંવાર કહેતા
‘કેટલું ખાધું ! કેટલું ખાધું ! હવે તો ધરાય ચૂક્યો છું ખાવાથી.’

વળી કહે-
‘હવે તો ધરાય ગયો છું આયુષ્યથી પણ. ૧૦૦-૧૦૦ વર્ષ ! જાણે યુગ બદલી ગયો !’

વળી કહે-
‘પૈસાથી યે ધરાય ચૂક્યો છું, મારે ક્યાં વાપરવા છે?’

‘..અને જગા ઓહો ! આ ૧૮-૧૮ ઓરડા ને ૪-૪ ખેતર ! ક્યાં બાંધીને સાથે લઇ જવાનો છું ?
…પણ હાથમાં કે ખીચામાં પડેલ રૂપિયા ફેંકાય તો નહીંને ? એટલે વેંઢારવું પડે - (સંભાળવું) પડે.’

પછી કહેતા…
‘હું સંપૂર્ણ પરિતૃપ્ત છું, કોઈ મારી પાછળ રાંડનારી નથી, નથી બાળ બચ્ચા, મારા જેવો સુખિયો કોણ હોય દુનિયામાં ?’

પછી પાછા કહે-
‘અમારે તો પરમકૃપાળુની ભક્તિ કરવી છે, અહીંયે એજ કર્યું છે ને પછી પણ તેજ હોજો ! મોક્ષ કોને જોઈએ છે ? અહીં તો ભક્તિ મળી એટલે થયું !’

કહેતા -
“જીવું તો જીનવર જપું, મુંએ મુક્તિ પાઉં;
દોનો હાથમેં લડ્ડુ જો ભાવે સો ખાઉં.”

દેહવિલયના ૪ દિવસ અગાઉ તા.૨૭-૫-૨૦૧૫ સાંજે ૬.૩૦ વાગે એકાએક તેઓના છેલ્લા રૂમમાંથી આગળ હોલમાં મારી નજીક આવી
બોલ્યા : દાકતર ?
હું સફાળો ઊભો થઇ ગયો,
તેઓ કહે : હવે હું જઈશ.
મેં પૂછ્યું: ક્યાં ?
તેઓ બોલ્યા : ઘેર જઈશ, મારે ઘેર જઈશ.
મેં પૂછ્યું: કયું ઘર ?
તેઓ કહે : સુણાવ.
મેં પૂછ્યું: તમારે ત્યાં શું કામ છે ?
તો કહે : કંઈ નહીં.
(કેમકે સુણાવ જવાનો કોઈ કાર્યક્રમ હતો જ નહીં.)

વર્ષો પહેલાની વાત છે, ઈ.સ.૧૯૯૮ના પર્યુષણ બાદ અમે બધા બાંધણીથી સુણાવ-મંદિર ગયેલ ત્યારે તેમનું ઘર જોવાની ઈચ્છા દર્શાવેલ ત્યારે તેઓએ કહેલ-
‘મારું કયું ઘર સાચું ? અનંતકાળથી કેટલા ઘર બદલ્યા ?’

જ્યારે પણ એઓને કોઈ આશ્રમ કે મુંબઈથી ઘેર જવું હોય ત્યારે તેઓ એમ કહેતા કે - ‘આપણે ક્યારે નીકળવા ધાર્યું છે ? કે ઘર છોડ્યા કેટલા દિવસ થયા ? કે ટીકીટનું કેમ કરીશું’ અને આ વખતે - ‘હું મારે ઘેર જઈશ’ એમ બોલ્યા એટલે અમને મનમાં એમ થયું પોતાને મૂળ ઘેર જવાની વાત છે. તેઓ અવારનવાર કહેતા - ’ હવે હું કેટલા દહાડા જીવવાનો ?’

ભક્તિ-સત્સંગ અર્થે અલગ અલગ સ્થળે લઇ જતા ત્યારે તેઓ કહેતા કે, ‘આ ખર્યું પાન, રસ્તામાં મર્યો તો તમારે માથે પડીશ.’ વળી અમુક દિવસે ફલાણી જગ્યાએ ભક્તિ છે એમ જણાવીએ ત્યારે કહેતા કે, ‘જીવતા હશું તો જવાશે, મડદું થોડું તમે ત્યાં લઇ જશો ?’

બાંધણી આશ્રમની વ્યવસ્થામાં ફેરફર થતાં બીજે સ્થળાંતર થયું ત્યારે પણ તેઓ કહેતા કે, ‘હવે અમો કેટલા દહાડા જીવવાના?’ વળી, તેઓ કહેતા તેઓને ‘વ્યાખ્યાન નથી આપવા, માત્ર પરમકૃપાળુદેવની ભક્તિ જ કરવી છે, ગુણગ્રામ ગાવા છે.’ અમો અગાસ-આણંદ, વડવા, મુંબઈ, દેવલાલી, ઇડર વારંવાર આવતા-જતા અને ૯૮ વર્ષની ઉંમરે પાલીતાણા, હમ્પી, બેંગ્લોર અને હુબલી સુધી સત્સંગ ભક્તિ અર્થે ગયા ત્યારે તેઓ ઘણી વાર કહેતા કે - ‘આ દાકતર મડદું ફેરવ ફેરવ કરે છે’

આ પ્રમાણે મગનકાકા લગભગ રોજ મરવાની, મોતની જ વાતો કરતા કે જે વાતમાત્રથી ઘણા ખરા ભય પામતા હોય છે. અરે ! આ તો વાત છેલ્લા ૧૫-૨૦ વર્ષો દરમ્યાનની પણ….
વર્ષો અગાઉ, માત્ર ૩૫ વર્ષની ઉંમરે બંદુકની ગોળી છાતીમાં વાગી આરપાર નીકળેલ ત્યારે લોહીનો ફૂવારો ઉડેલ અને તે વખતે તેઓ ભાવના ભાવતા (જે અમોએ તેઓના મુખથી ૨૦ વર્ષમાં, પચીસેક કરતા વધુ વખત સાંભળેલ છે)
“હે પરમકૃપાળુદેવ ! તમોએ જ કહ્યું છે - ‘જાશું સ્વરૂપ સ્વદેશ રે…’ તો થોભજો, હું આવું છું, આપણે મોક્ષનો સંગાથ કરીશું.”

જાણે મરવાની પૂરી તૈયારી છે જ - આટલા વર્ષો અગાઉથી ! એ પણ તદ્દન સહજતા સાથે.

આપણે તો ઘર બદલીએ તો ૬-૧૨ મહિના ઊંઘ ન આવે અને મંદિરમાં બેસવા કરવાની જગા બદલીએ તો પ્રાર્થનામાં ધ્યાન-ચિત્ત ન રહે. અને આ તો દેહ-દેવળ બદલવાની વાત છે !

પરમકૃપાળુદેવે લખેલ છે -
‘જીવતા મરાય તો ફરી મરવું ન પડે
એવું મરણ ઇચ્છવા યોગ્ય છે.’

(વ.મૃ.- ૨૧, બોલ- ૮૧)

વળી અન્ય સ્થળે લખેલ છે -
‘વિચારવાન પુરુષો તો કૈવલ્યદશા થતાં સુધી મૃત્યુને નિત્ય સમીપ જ સમજીને પ્રવર્તે છે.’
(વ.મૃ.-૭૦૨)

છેલ્લે દિવસે, જેઠ સુદ-૧૨, સં-૨૦૭૧, શનિવાર, તારીખ ૩૦-૫-૨૦૧૫, (જન્મ - જેઠ સુદ-૫, સં-૧૯૭૧) અર્ધો કપ દૂધ સવારે અને બપોરે ૧૨ વાગે એક કપ સાકર-મીઠાનું પાણી વાપરેલ.

...અનાદિ વિશ્વને આરે, ફરી મળીશું ક્યારે?

…અનાદિ વિશ્વને આરે, ફરી મળીશું ક્યારે?

સાંજે ૪ વાગે ઘૂંટડો પાણી લીધું જે છેલ્લું હતું અને પછી તેઓએ સૂચન કરેલ કે મને વેળા (સૂર્યાસ્ત) પછી કશું ન આપતા. મેં ફક્ત “હા" એમ કહ્યું. (અમે ક્યારેય, આમ પણ તેમને રાત્રે ખાતાં જોયા નહોતા, કે ન તો અમે ક્યારેય ૨૦ વર્ષોમાં તેઓને રાત્રે ખાવાનું આપ્યું હતું.)

આ પછી તેઓ બેઠાં બેઠાં જ (તકિયાને ટેકે) મનમાં જ મંત્ર-સ્મરણ કરતા હતા અને અમો પણ તેમની સામે મનમાં જ જાપ કરતા બેઠાં હતા.

આ અગાઉ, સવારે ૮ વાગે, જો દેહ છૂટે અને સુણાવ, લંડન કે અન્ય કોઈ જગ્યાએથી સલાહ-સૂચન આવે તો અંતિમ વિધિ, ક્રિયા કઈ રીતે કરવી તેની ‘નિયમાવલી’ મેં બનાવેલ. (ખાસ તો અમારા માટે - કે જેથી અત્યાર સુધીના ૨૦ વર્ષના ગાળામાં તેઓએ જે કંઈ કહ્યું હોય - કહ્યું હતું તેની વિરુદ્ધ કંઈ ન બનવા પામે અને પરમાર્થને આંચ ન આવે). જે આ સાથે છેલ્લે આપેલ છે.

વળી, બપોરે ૩ વાગ્યે એકાએક તડકામાંથી વાદળીયું વાતાવરણ થઇ જતાં મેં ઘરમાં વાત કરી કે જ્યારે આવું વાદળીયું વાતાવરણ તડકાના સમયે થાય તો કોઈ મહા પુરુષ, નેતા, રાજાનો દેહ છૂટે એવું મેં અમુક શાસ્ત્રોમાં ઘણાં વર્ષો અગાઉ વાંચેલ છે.

આ વખતે બારીનો પડદો ખસેડી હું મગનકાકા પાસે ગયો તો તે કંઈ ધીરેથી સૂતાં-સૂતાં ગાતા હતા. મેં પૂછ્યું તો તેઓ બોલ્યા કે “હું આત્મસિદ્ધિ કરું છું.” પછી જે આત્મસિદ્ધિનો અમારો ક્રમ રાત્રે ૭ થી ૮ નો હતો તે જાણે હમણા જ પૂરો કરવાનો છે એમ મનમાં જ સમજી અમોએ આત્મસિદ્ધિ પૂર્ણ કરી અને તેઓ બેઠા થઇ ગયા.

હું આગલા હોલમાં જઈ પાછો આવતા તેઓ બેઠા બેઠા કંઈ બોલતા જણાયાં. મેં પૂછ્યું તો કહે કે હું ‘સહજાત્મસ્વરૂપ’ મંત્રનો જાપ કરું છું અને તેથી અમો પણ તેમની સામે બેસી ઊંચા અવાજે માળા પૂર્ણ કરી, રાત્રીનો ભક્તિનો ક્રમ પૂરો કર્યો. આ વખતે બપોરના ૩.૪૫ નો સમય હતો. અમોએ માળા પતાવી, સમય પારખી, બેબીને કોલેજમાંથી છેલ્લા દર્શન કરવા બોલાવી લીધી અને સૂચના આપી કે સામે હાથ જોડી બેસવું પણ કંઈ બોલવું નહીં જ, ‘જય પ્રભુ’ પણ ન કહેવું ! કેમકે અમારે તેઓના ઉપયોગમાં ખલેલ ન જ પડે એ જ લક્ષ રાખવાનો હતો.

પૂ.શ્રી સોભાગ્યભાઈના દેહત્યાગ વખતે (જેઠ વદ-૧૦, ગુરુવારે સંવત-૧૯૫૩) જ્યારે અંબાલાલભાઈ સ્મરણનો લક્ષ અપાવવા જાય છે ત્યારે તેઓએ કહેલ કે ‘મને એક જ લક્ષ છે બીજો નથી, પણ હવે તમે મને કંઈ કહેશો નહીં કારણ કે મારા ઉપયોગથી ચૂકાઈ તમે બોલો તેમાં મારે જવાબ આપવામાં લક્ષ આપવો પડે છે તેથી મને ખેદ રહે છે.’ જેથી કંઈ પણ એમની સમીપમાં કહેવું બંધ રાખેલ અને આ આખો વૃતાંત પૂ.શ્રી અંબાલાલભાઈએ પ.કૃ.દેવને બે પત્રોમાં લખી જણાવેલ. (રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ - સત્સંગ સંજીવની- દ્વિતિય આવૃત્તિ - પાના નં- ૪૮ અને ૫૦). અમે પણ આ બાબત સાવચેતીપૂર્વક લક્ષમાં રાખેલ અને તે મુજબ વર્તેલ.

પૂ.શ્રી મગનબાપા - પાર્થિવદેહનો અિગ્ન સંસ્કાર

પૂ.શ્રી મગનબાપા - પાર્થિવદેહનો અિગ્ન સંસ્કાર

…અન્ય કોઈ મુમુક્ષુઓને, ભલે ભાવના સારી હોય, પણ આવુ બધું શીખવવાનો-સમજાવવાનો આ અવસર નહીં જણાતાં, ફક્ત ટોળું ભેગું કરી અસમાધિની ઉપાધી ન નોતરવાનું, બહુ બહુ વિચારીને, નક્કી કરેલ કે જેથી આશાતનાથી બચી શકાય અને સ્વ-પર કલ્યાણ ન જ ચૂકાય.

આ પ્રમાણેની ચર્યામાં હું તેમની સમીપ જ બેઠો હતો. તેમની સામે તદ્દન મૌનપણે અને પ્રકૃતિના નિયમ અને કુદરત સામે અબળા અને લાચાર બની મનમાં ’સહજાત્મસ્વરૂપ પરમગુરુ’નો મંત્ર કરતો હતો, તેઓને પણ બેઠાં બેઠાં આંગળીના ટેરવે મંત્ર સ્મરણ ચાલુ જ હતો.

ત્યાં તો તેઓની આંખો-અર્ધી ખૂલ્લી પણ તદ્દન સ્થિર થઈ ગયેલ હોવાથી - હૃદય બંધ થઇ ચૂક્યું છે અને આત્મા અને દેહ વિખૂટાં પડ્યા જાણી ઊંચા અવાજે ’સહજાત્મસ્વરૂપ પરમગુરુ’નો જાપ - (જે મનમાં જ મૌનપણે અમારે બંનેને - પૂ. મગનબાપા અને મારે ચાલુ હતો તે) થોડીવાર બોલવાનું ચાલુ રાખ્યું અને તેમની પાટે ચડી, બંને ખંભેથી ઊંચકી ચત્તા-સપાટ સુવડાવી દીધા.

અને આ પ્રમાણે સાંજે ૬.૨૫ વાગે, તેઓનો પવિત્ર આત્મા અમારી આંખો સામે રહેલ દેહથી છૂટો પડ્યો. હવે માત્ર અમો એકલાં-એકલાં જ થોડીવાર બે હાથ જોડી જાપ કરતાં રહ્યા.